વડોદરા બોટકાંડ: આંતરિક તપાસ બાદ 6 અધિકારીઓને મનપાની નોટિસ
કાર્યપાલક ઇજનેર સહિત 6ને જવાબ રજુ કરવા 7 દિવસનો સમય
હરણી બોટ દુર્ઘટના મામલે હવે વડોદરા કોર્પોરેશન મોડા-મોડા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હોય તેવી સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, વડોદરાના હરણી તળાવ દુર્ઘટના મામલે હવે 26 દિવસ બાદ કોર્પોરેશને કાર્યવાહી કરતાં ટેન્ડર બહાર પડવાથી લઈ ઇન્સ્પેક્શન કરનાર અધિકારીઓ સહિત કુલ 6 અધિકારીઓને નોટિસ ફટકારી છે.
વડોદરા હરણી લેક બોટ દુર્ઘટનામાં કોર્પોરેશન મોડે મોડે જાગ્યું છે. વિગતો મુજબ વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશને 6 ઇજનેરને નોટિસ ફટકારી 26 દિવસ બાદ કાર્યવાહી કરી છે. જેમાં હરણી તળાવ ટેન્ડર બહાર પાડવાથી લઈ ઇન્સ્પેક્શન કરનાર અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસો માગવામાં આવ્યો છે. આ સાથે આ અધિકારીઓને 7 દિવસમાં જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નનોંધનિય છે કે, મ્યુનિસિપલ કમિશ્નરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી શરૂૂ કરાઇ અને ફ્યુચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત 6 ઇજનેરને નોટિસ ફટકારાઇ છે.
જેમાં રાજેશ ચૌહાણ (કાર્યપાલક ઇજનેર, ફ્યુચરીસ્ટિક સેલ), પરેશ પટેલ (કાર્યપાલક ઇજનેર પૂર્વ ઝોન ), જીજ્ઞેશ શાહ (હવાલા ના નાયબ ઇજનેર , ફયુચરીસ્ટિક સેલ), મુકેશ અજમેરી (હવાલાના નાયબ ઇજનેર, ફ્યુચરીસ્ટીક સેલ), મિતેષ માળી (એ એ ઈ, ફ્યુચરીસ્ટીક સેલ), જીગર સયારિયાને (એ એ ઈ,ઉત્તર ઝોન ) નોટીસ ફટકારવામાં આવી છે.