અમેરિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાન્ક પટેલના ગુજ્જુ ગર્લ સાથે લગ્ન
અમેરિકન ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાન્ક પટેલના લગ્ન મહીસાગર જિલ્લાના કોઠંબાના મૂળ વતની અને હાલ અમેરીકામાં સ્થાયી ગોહીલ પરિવારની પુત્રી હિમાની સાથે નક્કી થયા છે, બંને તા.11ના રોજ પંચમહાલના જાંબુઘોડા સ્થિત એક રિસોર્ટમાં લગ્નગ્રંથીથી જોડાશે.
કોઠંબા તાલુકાના નાનકડા ગામ ખલાસપુરના મૂળ વતની નરેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયા છે. તેમની દીકરી હિમાનીના લગ્ન અમેરીકામાં જ રહેતાં અને મૂળ આણંદના વતની એવા તેમજ અમેરીકાની ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાન્ક પટેલ સાથે નક્કી થયા છે, લગ્ન જાંબુ ઘોડા ખાતે આવેલા ખાનગી રિસોર્ટમાં તા. 11ના યોજાયા છે. મોનાન્ક પટેલ અમેરીકન ક્રિકેટ ટીમનો કેપ્ટન છે જેણે વર્ષ 2024માં મેન્સ લીગ ક્રિકેટ સિઝનમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટો મૂક્યા હતાં.
જે હિમાનીએ પણ જોતાં તેણે આ ફોટોને મેસેજ સાથે લાઈક કર્યા હતાં. જે બાદ બંને વચ્ચે મેસેજથી વાતચીત શરૂૂ થયા બાદ મિત્રતામાં પરિણમી હતી. તેમજ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.પરિવારની મંજૂરી બાદ લગ્ન ગોઠવાયા હતાં. બંને પરિવારોએ પોતાના વતન ભારતમાં આવીને લગ્નગ્રંથીથી જોડાવાનું નક્કી કર્યું હતું. જે બાદ બંને પરિવારોએ તેમના સંતાનોના લગ્ન જાંબુઘોડાના ખાનગી રિસોર્ટમાં રાખ્યા છે.