For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સીતામૈયાના રોલથી શરૂ થઈ ઉર્વશી ઉપાધ્યાયની એક્ટિંગ સફર

10:39 AM May 17, 2025 IST | Bhumika
સીતામૈયાના રોલથી શરૂ થઈ ઉર્વશી ઉપાધ્યાયની એક્ટિંગ સફર

ઝાલાવાડ પંથકની બ્રાહ્મણ દીકરીએ મુંબઈમાં અભિનય ક્ષેત્રે કાઠું કાઢ્યું

Advertisement

હમારી દેવરાની, મંગલ લક્ષ્મી, સહિતની સિરિયલો-નાટકોમાં કલાના કામણ પાથર્યા

અવાજમાં નમ્રતા, વાણીમાં સમજદારી અને સભ્યતા તેમજ અભિનયમાં સત્યતા એટલે ઉર્વશી ઉપાધ્યાય. જીવન અને અભિનય વચ્ચેનું સંતુલન જાળવનાર અને ભાગવત ગીતાનાં શબ્દોને પોતાના દિલમાં ઉતારનાર સંસ્કારી અભિનેત્રી એ જ ઉર્વશી ઉપાધ્યાય.

Advertisement

ઉર્વશી સ્કૂલ સમયથી જ નાટકો ભજવવામાં ખૂબ ઉત્સાહી હતાં. એકવાર ભાગવત સપ્તાહમાં સીતા મૈયાનો રોલ ભજવવાનો વારો આવ્યો તો આબેહૂબ ભજવી બતાવ્યો. આ પ્રસંગથી જ ઉર્વશીએ મનોમન નક્કી કર્યું કે હું આગળ જઈને સ્ટેજ પર્ફોમન્સ કરીશ જ, અને ત્યાંથી ભાગ્યના દરવાજા પણ ખુલ્યા. કોલેજ માટે સુરત પસંદ કર્યું. ત્યાં પણ અનેક નાટકોમાં ભાગ લઈ સૌના દિલોમાં રાજ કરવા લાગી. ધીમે ધીમે તેનો ચાહક વર્ગ વધતો ગયો. એમ એ સંસ્કૃતમાં કરીને એમ એડ પણ કર્યું, સાથે સાથે શિક્ષિકા તરીકેની ભૂમિકા ભજવી રહી હતી. સ્કૂલ કે કોલેજ દરમિયાન ગમે તે સ્પર્ધા હોય હંમેશા અવ્વલ નંબરે જ રહેતી.

આ અદાકારા ગુજરાતમાં ઝાલાવાડ પંથકની બ્રાહ્મણની દીકરી હોવાથી નાટક ભજવવા કે કોઈ એક્ટિંગ કરવી જેવા કાર્યો કરવા એટલે પરિવારનાં વિરોધમાં જવા જેવું થતું. કુટુંબીજનોનાં વિરોધમાં જઈને હિંમતવાન ઉર્વશીએ ભરત નાટ્યમમાં પણ એમ એ કર્યુ. જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ સામે ક્યારેય હાર ના માની. ઘણાં મુરતિયાઓ તો નાટક કરતી છોકરી સાથે પરણવા પણ તૈયાર નહોતા. આમ છતાં આ સ્ટાર પોતાની મમ્મીને અભિનય ક્ષેત્રે આગળ વધવા સતત મનાવતી રહી.

મુંબઈમાં ભવન ચિત્રલેખા નામની ખૂબ મોટી સ્પર્ધા હતી. જયારે ઘરેથી આ સ્પર્ધાની ના પાડી કે એ તારો છેલ્લો શો છે તો ઉર્વશી ત્યારે ખૂબ રડ્યા કે શું હવે આ બધું છોડવું પડશે? સ્ટેજ પર પ્રોગ્રામ પૂરો થયાં બાદ પણ રડ્યા ત્યારે ઉર્વશીને અચાનક પોતાના જીવનમાં શોભના દેસાઈ નામની વ્યકિતએ આવીને શાંત્વના આપી કે તું ખૂબ સરસ એક્ટિંગ કરે છે. શોભના દેસાઈ એ ત્યાં જ સિરિયલની ઓફર આપીને ટીવી જગતમાં પા પા પગલી કરાવી. આ સ્પર્ધામાં બેસ્ટ એક્ટ્રેસ તરીકે 25000નું પહેલું અને ખૂબ મોટુ ઈનામ લાવનાર ગુજરાતની આ પહેલી અભિનેત્રી, અભિનય ક્ષેત્રે આખા ગુજરાતમાં છવાઈ ગઈ.

ઉર્વશી પોતાની મમ્મીને જ આદર્શ માનતી અને મમ્મીનું નામ લેતા આજે પણ ઉર્વશી ભાવુક થઈ ગયા હતાં. સિરિયલમાં એક્ટિંગ કરવા મમ્મીને ખૂબ મનાવી, આખરે મમ્મીએ દીકરીને ઉડવા પાંખો આપી દીધી. ત્યારબાદ બીજા આદર્શ શોભના દેસાઈ, જેણે ઉર્વશીને આગળ લાવવા ખૂબ જહેમત ઉઠાવી. આ અદાકારાએ હમારી દેવરાનીની મંજુલાથી લઈને આજે ખૂબ વિખ્યાત પામેલી સિરિયલ મંગલ લક્ષ્મીની કુસુમનો કિરદાર આબેહૂબ નિભાવ્યો છે.

પ્રથમ સિરિયલથી જ લોકો માટે રોલ મોડલ બની ગઈ હતી. ઉર્વશી પોતાના વ્યસ્ત જીવન વચ્ચે બાળકોને નાટકો શીખવે છે. માતાઓને સંદેશો આપતા કહે છે કે તમે તમારા બાળકોને એમના સપના જીવવા દો, એના ટેલેન્ટને ઓળખો, કંઈક કહે છે તો સાંભળો. બધામાં ભગવાને કોઈ એક્ટર છુપાવ્યો છે એ જ તમે ઓળખો. એક્ટરની દુનિયામાં પ્રવેશ્યા પછી પણ અદાકારાએ ગ્લેમરસ દુનિયાને ફોલો કરવા કરતાં હંમેશા સંસ્કારોને ફોલો કર્યા છે. નાટકોના ફિલ્ડમાં પણ પોતાની ઈજ્જત અકબંધ રાખી.બાળકો માટે સમય કાઢવો, સાસુમાં સાથે બેસવું જેવી અનેક જવાબદારીઓ સાથે સંતુલન મેળવે છે.

સૌથી ખાસ વાત ઉર્વશીને સાડીની સાથે મોટી બિંદી લગાવવી અત્યંત પ્રિય છે. ભારતની ગરિમા તેની વાતોમાં ભારોભાર ઉભરી આવે છે. અહીંની સભ્યતા, સંસ્કૃતિ પોતે મુંબઈ રહેવા છતાં જરાં પણ ભૂલી નથી. આજની જનરેશન માટે ખાસ સંદેશો આપ્યો છે કે જો યુવાધન પાર્ટી, કલબ, રેસ્ટોરન્ટ કે બાગ બગીચામાં જઈ શકતા હોય તો થોડો સમય કાઢીને મંદિરે શા માટે ના જઈ શકે? ગમે એટલી ઉંચાઈએ પહોંચો પણ ભારતની સંસ્કૃતિ દેશના ખૂણે ખૂણે છલકાવી જ જોઈએ.

મંગલલક્ષ્મી સિરિયલનાં કુસુમના રોલ માટે પોતાનું માનવું છે કે એક બે દાયકા પહેલા સૌના મનમાં જે વાત ઘર કરી ગઈ હતી કે સાસુ એટલે વહુની દુશ્મન. પરંતુ એ વાતનો કટર વિરોધ કરતાં ઉર્વશી કહે છે કે સાસુ પણ વહુની સખી બની શકે છે. જે વાત પોતે કુસુમના રોલ દ્વારા બતાવે છે. પોતાની મમ્મી અને તેમના સાસુના ભારોભાર વખાણ કરતાં પોતે થાકતી નથી. કારણ કે આ કુસુમનો કિરદાર એમના મમ્મી અને સાસુ કરતાં જરાં પણ ચડિયાતો નથી.

છેલ્લે ઉર્વશી યુવાનોને ખાસ સંદેશો આપતા કહે છે કે ડિપ્રેશનમાં આવવું એટલે શું?? આવુ કંઈ રીતે બને?? જો તમને માનસિક તણાવ જરાપણ આવે તો તમારી અંદર છુપાયેલા એક્ટરને બહાર લાવો. દરેક વ્યક્તિને કંઈક ને કંઈક શોખ હોય જ છે. કોઈપણ કાર્યમાં હારવું એ તમારી હાર નથી. હાર પણ કંઈક શીખવે છે, એ કાર્યને વળગીને રોજ કંઈક શીખો. હાર માનીને નશો કરવો બિલકુલ હિતાવહ નથી. જો નશો કરવાનું મન થાય તો બુક ખરીદો કે કોઈ કલા શોધી કાઢો અથવા ક્લાસીસમાં જઈને કંઈક શીખો. જેથી નશો જ ના કરવો પડે કે ના ડિપ્રેશન આવે. ખરેખર, ઉર્વશીએ યુવાનોના જીવનને જીવંત રાખવા ખૂબ મહત્વની પ્રેરણા પૂરી પાડી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement