જામનગર જિલ્લાના સૌથી મોટા ગામ લતીપુરને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ફાળવવા તાતી માંગ
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતનાં આગેવાનોને રજૂઆત
લતીપુર ગામની વસ્તી આશરે 15 હજાર જેવી છે તેમાં 6 000 આદિ વિસ્તારના મજૂરો ભળે એટલે કુલ 20 થી 22 હજારની વસ્તી થાય. લતીપુર જામનગર જિલ્લાનું ગામડાની દ્રષ્ટિએ મોટામાં મોટું ગામ છે અને તેની ચારે બાજુ જશાપર પીઠડ, મેઘપર, બંગાવડી, રસનાળ, ઓટાળા, થોરીયાળી, ગોકુળપુર જેવા ગામો છે કે જેનું મોટાભાગનું હટાણું અને આરોગ્ય સેવા માટે લતીપુર આવતા હોય છે આમ લતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાઓનો લાભ આશરે 45 થી 50 હજાર ની વસ્તી નિયમિતપણે લે છે.
જામનગર જિલ્લાના મોટામાં મોટા ગામમાં આજ સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ છે જ્યારે ખરેખર આ ગામને અત્યારે સી. એચ. સી. એટલે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની તાતી જરૂૂરિયાત છે, કારણ કે દર્દીઓએ લેબોરેટરીની સુવિધા, એક્સરે ની સુવિધા, અને ડીલેવરી જેવી સુવિધાઓ માટે દૂર દૂર જવું પડતું હોય છે. જામનગર જિલ્લાના નાના નાના ગામડા ને પણ સીએચસી ફાળવવામાં આવ્યા છે તો પછી લતીપુર જેવડા જબરજસ્ત ગામને જામનગર જિલ્લાના સત્તાધીશો અને અધિકારીઓ સીએચસી થી વંચિત કેમ રાખ્યું છે એવો સવાલ ઉદભવી રહ્યો છે.
આ બાબતે આ વિસ્તારના આગેવાન અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને પણ રજૂઆત કરવામાં આવેલ છે. ગ્રામજનોની અપેક્ષા છે જે લતીપુર ના જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયતના ત્રણ સદસ્યો અને ગામના સરપંચ તથા વિવિધ રાજકીય પક્ષોના કહેવાતા આગેવાનોએ આ અંગે જેમ કાંઈ કર્યું નથી? એ લોકોએ ક્યાય ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોય તો તેનો શુ પ્રત્યુત્તર આવ્યો તે અંગે પ્રશ્નો ઉદભવી રહ્યા છે. લોકજીભે ચર્ચાઈ રહ્યું છે કે શુ લતીપુર નું નેતૃત્વ ઢીલું પડે છે કે શુ? લતીપુરની આવી ને આવી દુર્દશા થતી રહેશે તો આગામી સમયમાં વિસાવદરવાળી થશે એવુ ચર્ચાઈ રહ્યું છે.