જનસેવા કેન્દ્રોના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર લાંબા સમયથી અટકાવતા હોબાળો
રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ જનસેવા કેન્દ્રોમાં કોન્ટ્રાક્ટ પર કાર્યરત કર્મચારીઓના પગાર ન થતા ભારે દેકારો મચી ગયો છે. કેટલાય કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી, તો કેટલાકને ચાર મહિનાથી પણ વધુ સમયથી પગાર મળ્યો નથી, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. રાજકોટ શહેર અને જિલ્લાના 70 જનસેવા કેન્દ્રોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પગાર રોકવામાં આવ્યો છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેઓએ આ મુદ્દે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર અને એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં પજય એન્ટરપ્રાઇઝથ નામની કોન્ટ્રાક્ટ કંપની દ્વારા હજી સુધી પગાર ચૂકવવામાં આવ્યો નથી.
70થી વધુ કર્મચારીઓના ચાર મહિનાથી વધુ સમયનો પગાર ન મળતા કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓ દ્વારા અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી.કલેક્ટર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વહીવટી તંત્ર દ્વારા પણ અનેક વખત કંપનીને પગાર ચૂકવવા માટે જાણ કરવામાં આવી છે. તેમ છતાં, કંપની તંત્રને પણ ગાંઠતી ન હોવાનું સામે આવી રહ્યું છે. આ સ્થિતિમાં જનસેવા કેન્દ્રોના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. શું તંત્ર આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે અને કર્મચારીઓને તેમનો હકનો પગાર મળશે?