ઉપલેટા કોલેરાકાંડ 8 ફેકટરીના માલિકો સામે લેબર કોર્ટમાં કેસ
મજૂરોને સ્વચ્છ પાણી, કે રહેવા લાયક સ્વચ્છ જગ્યા નથી ફાળવી; ફેક્ટરીમાં પણ ગંદકી : ફેકટરી એક્ટ હેઠળ કેસ કરાયો : એક લાખનો દંડ અને 2 વર્ષની સજાની જોગવાઈ
ઉપલેટા નજીક આવેલ પ્લાસ્ટીકની ફેકટરીમાં એક મહિના પહેલા કોલેરાએ દેખા દીધી હતી જેમાં પાંચ બાળકોના ભોગ લેવાયા છે અને અનેક વ્યક્તિઓને કોલેરાની અસર થઈ છે ત્યારે આ ઘટનાની જાણ થતાં કલેકટર ઘટના સ્થળે દોડી જઈ ઉપલેટા વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા બાદ પ્રાંત અધિકારી સહિત ત્રણ અધિકારીઓની ટીમ બનાવી તપાસના આદેશ આપ્યા હતાં.જેના રિપોર્ટના આધારે ઉપલેટા નજીક આવેલ છ ફેકટરીનાં માલિકો સામે ફેકટરી એકટ હેઠળ લેબર કોર્ટમાં કેસ કરવામાં આવ્યા છે.
ઉપલેટા નજીક આવેલ પ્લાસ્ટીકના કારખાનામાં એક મહિના પહેલા કોલેરા જેવા મહારોગે દેખા દીધી હતી. જેમાં પાંચ બાળકો કોલેરાનો ભોગ બનતાં તેમના સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજયા હતાં. જ્યારે અન્ય 45 થી 50 જેટલા મજુરોને કોલેરાની અસર થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ ઘટનાની છેક પાંચ દિવસ બાદ કલેકટરને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો.જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ કોલેરા કેવી રીતે થયો ? તેના માટે એક તપાસની કમીટી બનાવી હતી. જેમાં પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી અને મામલતદાર દ્વારા તપાસ કરી કલેકટરને રિપોર્ટ સુપ્રત કર્યો હતો જેમાં ઉપલેટા નજીક આવેલ હિરામોતી એન્ટરપ્રાઈઝ, સંસ્કાર પ્રોલીમર્સ, ઘનશ્યામ પોલીમર્સ, આશ્રય પોલીમર્સ, અર્ચન પોલીમર્સ, ખોડીયાર કૃપા એન્ટરપ્રાઈઝ, રવિરાજ પોલીટેક અને અક્ષર પોલીમર્સ નામની ફેકટરીમાં રહેતાં મજુરો કોલેરાનો ભોગ બન્યા હતાં.
કારખાનામાં દુષિત પાણી પીવાથી મજુરો અને બાળકો કોલેરાનો ભોગ બન્યા હતાં. એટલું જ નહીં પરંતી કમીટીની તપાસમાં લેબરોને ચોખ્ખુ પાણી પુરૂ પાડવામાં આવતું ન હતું અને સેનીટેશનની કોઈ વ્યવસ્થા કે જોગવાઈ ન હતીં. કારખાનામાં પણ ભારે ગંદકી જોવા મળી હતી. જેને ધ્યાને લઈ ફેકટરી એકટ હેઠળ આઠેય ફેકટરીના માલિકો સામે લેબર કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ આઠેય ફેકટરીના માલિકો પાસે ફેકટરી ચલાવવાનો કોઈ લાયસન્સ જ ન હતાં.
તેવું તપાસમાં બહાર આવ્યું ુહતું. આઠ ફેકટરીના સંચાલકો સામે લેબર કોર્ટમાં કરવામાં આવેલા કેસમાં અલગ અલગ છ કલમો લગાવવામાં આવી છે. જેમાં એક લાખનો દંડ અને બે વર્ષની સજાની જોગવાઈ છે.