સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી હતી. મૌર્યએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી.
આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.
આ પ્રસંગે પ્રતિમાની અનોખી ભવ્યતાને નિહાળતા ઉપ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે નર્મદા મૈયાના આશિર્વાદથી મને આ અદભૂત સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવીને વિશ્વની સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમા દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે. સરદાર પટેલ સાહેબના વિચારધારા રાષ્ટ્રની એકતા પર કેન્દ્રિત હતી. દેશી રજવાડાઓને ભારતનો ભાગ બનાવીને દેશની એકતાને વધુ મજબુત બનાવી છે. ત્યારે પીએમ મોદીએ પણ રાષ્ટ્રીય એકતાને કેન્દ્રસ્થાને રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે.