દ્વારકામાં યુપીના પ્રૌઢને હૃદયરોગનો જીવલેણ હુમલો
ઉત્તર પ્રદેશ રાજ્યના લખનઉ જિલ્લાના હૈદરાબાદ ખાતે રહેતા પ્રણવકુમાર પ્રમોદકુમાર ગુપ્તા નામના 55 વર્ષના પ્રૌઢને દ્વારકામાં આવેલી એક હોટલમાં મોડી રાત્રિના સમયે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ યુપીના સીતાપુર જિલ્લાના રહીશ જ્યોતિબેન રાજેન્દ્રકુમાર ગુપ્તાએ દ્વારકા પોલીસને કરી છે.
_________________________
દ્વારકાના વિપ્ર યુવાન સાથે રૂપિયા સાડા ચાર લાખની છેતરપિંડી
દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનને વિશ્વાસમાં લઈ અને રૂપિયા 4.44 લાખની છેતરપિંડી કરવા સબબ ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં દ્વારકાના હોળી ચોક વિસ્તારમાં રહેતા અને યજમાનવૃત્તિ કરતા તેજસભાઈ મહેન્દ્રભાઈ ઠાકર નામના 33 વર્ષના બ્રાહ્મણ યુવાને ** 7233 મોબાઈલ નંબર ધરાવતા ભૈલુભાઈ નામના શખ્સ સામે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી તેજસભાઈ તથા તેમની સાથે અન્ય બ્રાહ્મણ આસામીઓને બ્રહ્મ ભોજન કરાવવાનું તેમજ બ્રાહ્મણોને દક્ષિણા આપવાની વાત કરી ફરિયાદી તેમજ સાહેદોને આરોપીએ વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ તેઓને અલગ અલગ ચેક આપી અને તેઓ પાસેથી અલગ અલગ કુલ રૂપિયા 4,44,000 મેળવી લેવામાં આવ્યા હતા.
આ રીતના તેજસભાઈ તેમજ અન્ય સાહેદો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ભૈલુભાઈ સામે આઈપીસી કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત ચલાવી રહ્યા છે.
_________________________
દ્વારકા અને ભાણવડમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા
દ્વારકામાં સાવિત્રી વાવ વિસ્તારમાં આવેલા યાત્રિક આવાસના મેનેજર હનુભા સીદુભા વાઢેર નામના 44 વર્ષના શખ્સ દ્વારા દ્વારકા ભારતીય યાત્રિકા આવાસના બીજા માળે આવેલા રૂમ નંબર 19 માં બહારથી માણસો બોલાવી, અને અહીં ગંજીપત્તા વડે જુગારનો અખાડો ચલાવીને પોતાના અંગત કાયદા માટે નાલ ઉઘરાવતા આ અંગે સ્થાનિક પોલીસે દરોડો પાડીને અહીંથી હનુભા સીદુભા વાઢેર, બાબુ ભાનુભાઈ ઝાખરીયા, જયેશ ગોવિંદભાઈ ચાવડા, રવાભા ભીમાભા માણેક અને ચંદુભાઈ વલ્લભદાસ સામાણી નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 15,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં ભાણવડથી આશરે 12 કિલોમીટર દૂર મોટા કાલાવડ ગામે આવેલા ચોકમાં બેસી અને તીનપતિ નામનો જુગાર રમી રહેલા વલ્લભ પાલાભાઈ ચાવડા, મુકુંદ પીઠાભાઈ કનારા, ભીમા મેપાભાઈ વારોતરીયા, માલદે અરશીભાઈ કરમુર અને સાજણ રાણાભાઈ ગાગલીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 11,720 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.