દ્વારકા-ખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદ
યાત્રાધામ દ્વારકા તેમજ ખંભાળિયા પંથકમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ વરસાદ તુટી પડ્યો હતો. કમોસમી વરસાદના પગલે માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતાં. તેમજ માવઠાના કારણે ખેડુતોમાં ચીંતાનો માહોલ વ્યાપી ગયો છે. છેલ્લા બે દિવસથી અને હાલમાં પણ આકાશ વાદળછાયુ હોવાથી હજુ પણ ઝાપટા પડવાની સંભાવના જોવાઈ રહી છે.
યાત્રાધામ દ્વારકા સહિતના પંથકમાં કમોસમી વરસાદ થયો છે. વાતાવરણમાં પલટો આવતા ઠંડીના ચમકારા સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. બીજી બાજુ ખેડૂત વર્ગમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ભાટિયા દ્વારકા વિસ્તારમાં પણ માવઠાની અસર જોવા મળી છે. અહીં હાઈવે પર માર્ગો વરસાદને લીધે પાણી પાણી થઈ ગયા હતા.
અત્યારે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ છે ત્યારે વરસાદી માહોલ જામતા ઠંડીમાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી આકાશ વાદળ છાયું થઈ ગયું હતું અને તેની હવે કમોસમી વરસાદ સ્વરૂૂપે અસર જોવા મળી રહી છે. આગામી કેટલાક દિવસમાં રાજ્યમાં વાતાવરણ એકંદરે વાદળછાયુ રહેશે અને રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. દરમિયાન અંબાલાલ પટેલે આગામી સમયમાં ઠંડી વધવાની અને ફેબ્રુઆરીમાં ઠંડીના બે રાઉન્ડ આવવાની આગાહી કરી છે.
દ્વારકા પંથકમાં છેલ્લા બે દિવસથી આકાશ વાદળછાયુ થઈ ગયું હતું અને આગાહીના પગલે વરસાદની સંભાવના જોવાઈ રહી હતી જ્યારે ગઈકાલે ઠંડીના ચમકારા સાથે વરસાદ વરસવા લાગતા રોડ-રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં બેવડીરૂતુના કારણે ખેતરમાં ઉભાપાકને નુક્શાની થવાની ભીતી સેવાઈ રહી છે. હજુ પણ ચાલુ માસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.