અનોખો વિરોધ, માં સરસ્વતીનાં વેશમાં VCને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીના હ્યુમિનીટીઝ અને સોશિયલ સાયન્સ ભવનના PHDના વિધાર્થીઓએ પોતાના પર થઈ રહેલા અન્યાય સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. વિધાર્થીઓ આજે યુનિવર્સિટી કેમ્પસમાં માં સરસ્વતીની પ્રતિમા લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
વિધાર્થીઓના આક્રોશનું મુખ્ય કારણ એ છે કે ભવનમાં ડીનની જગ્યા ખાલી હોવાને કારણે છેલ્લા ચાર મહિનાથી તેમની PHD સંબંધી તમામ પ્રક્રિયા ટલ્લે ચડી છે. આ વિલંબને કારણે વિધાર્થીઓના ભવિષ્ય પર મોટો ખતરો ઊભો થયો છે.
જો આગામી છ મહિનામાં વિધાર્થીઓના વાઇવા નહીં લેવાય, તો નિયમ મુજબ તેમનું રજીસ્ટ્રેશન રદ્દ થઈ શકે છે. આ સંજોગોમાં તેમની વર્ષોની મહેનત અને કારકિર્દી જોખમમાં મુકાઈ છે.
વિધાર્થીઓના આ વિરોધમાં કોંગ્રેસે પણ સૂર પુરાવ્યો હતો. કોંગ્રેસના નેતા ધરમ કાંબલિયા વિધાર્થીઓને સાથે રાખીને યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે આકરા શબ્દોમાં આક્ષેપ કર્યો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણનું કેન્દ્ર બનવાના બદલે રાજકીય અખાડો બની ગઈ છે, જેના કારણે વિધાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે.