સાબરકાંઠામાં હપ્તારાજથી બેફામ રેતી ચોરી, આંદોલનની પૂર્વ ધારાસભ્યની ચિમકી
તાજેતરમાં પ્રાતિજ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ બનાવ બાદ સાબરકાંઠામાં રેતી ચોરી કરી બેફામ દોડતા ડમ્પરો સામે લોકઆક્રોશ ફાટી નીકળ્યો છે. જેને સાબરકાંઠાના પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડે વાચા આપતા સરકારને ચીમકી આપી છે કે, ખનીજ ચોરી સામે યોગ્ય પગલાં ભરવાની કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરાશે, પછી કહેતા નહીં કે સ્થિતી વણસી છે.
ગુજરાતમાં હપ્તારાજ ચાલે છે, તેના કારણે ખનીજ ચોરો સામે તંત્ર કોઈ કાર્યવાહી કરતુ નથી તેવુ કોંગ્રેસના નહીં પરંતુ ભાજપના પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડે જાહેરમાં નિવેદન કર્યું છે. જો ખનીજ માફિયાઓના માતેલા સાંઢની માફક દોડતા ગેરકાયદે રેતી ડમ્પરો પર કાબૂ મેળવવામાં નહીં આવે તો, લોકોને સાથે લઈને આંદોલન કરવુ પડશે. આ આંદોલનને કારણે સ્થિતિ વણસે તો જવાબદારી અમારી નહીં સરકારની રહેશે તેવી ચીમકી પણ દિપસિંહ રાઠોડે ઉચ્ચારી છે.રેવન્યુ, પોલીસ અને ખાણ ખનિજ વિભાગની મીલીભગત છે.
હપ્તારાજ ચાલે છે. માટે આ સ્થિતિ સર્જાઈ છે. આરટીઓ વાળા પણ તપાસ કરતા નથી. જિલ્લા કલેકટર, રેવન્યુ મામલતદારને આ જ જોવાનું હોય છે પણ તેઓ કાંઈ કરતા નથી.દિપસિંહ રાઠોડે તો ત્યાં સુધી કહ્યું કે, આ બધા વિભાગો મુખ્યપ્રધાન પાસે છે તેથી તેમની પહેલી જવાબદારી આવે કે આ બધુ બંધ કરાવે. રેતી ભરેલ ટ્રક ઓવરલોડ હોય છે. તેમાંથી પાણી નિતરતુ હોય છે. દિવસની ઓછામાં ઓછી 150થી 200 ટ્રક પસાર થાય છે. પોલીસ જુએ છે. રેવન્યુ વાળા પણ જુએ છો છતા કાંઈ કરતા નથી. જ્યારે તંત્રનું ધ્યાન દોરવામાં આવે તો ટીમ મોકલીએ છીએ તેમ કહે છે પરંતુ કોઈ કાર્યવાહી કરાતી નથી. દેખાડા માટે એકાદ ટ્રેકટર કે ટ્રક પકડીને કાર્યવાહી બતાવે છે અને તરત જ પાછા ગેરકાયદે કાઢેલી રેતી ભરેલા ડમ્પરો ધોરીમાર્ગો પર દોડતા જોવા મળે છે. મહેસાણા-ગાંધીનગર અને સાબરકાંઠાના ત્રિભેટે આ બધા ખેલ કરવામાં આવે છે.