પામ યુનિવર્સ સોસાયટીમાં પોલીસ દંપતીનો અસહ્ય ત્રાસ
- સોસાયટીના હોદ્દેદારો વિરુદ્ધ ખોટી અરજી કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ : સોસાયટી ધારકોએ પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્ર
રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ ગંગોત્રીપાર્ક મેઈન રોડ પર આપેલ પામ યુનિવર્સ સોસાયટીમાં પોલીસ દંપતિના વિરુદ્ધમાં આજે સોસાયટીના હોદેદારોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી પોલીસ દંપતિના ત્રાસમાંથી સોસાયટીના રહીશોને કાયમી મુક્તિ અપાવવા માંગણી કરી છે.
રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પામ યુનિવર્સ સોસાયટીમાં રહેતા મધ્યમ પરિવારના સોસાયટીના હોદેદારોએ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને સોસાયટીમાં રહેતા પોલીસ દંપતિ સન્નીભાઈ સીરા અને તેના પત્નિ યશોદાબેન સીરાના ત્રાસમાંથી અને લુખ્ખી ગુંડાગીરીમાંથી મુક્ત કરાવવા માંગણી કરી છે. સોસાયટીના હોદેદારોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2023માં રહેવા આવેલ પોલીસ દંપતિ છેલ્લા સાત માસથી નાની નાની બાબતમાં સોસાયટીના હોદેદારો અને પરિવારજનો સામે પોલીસમાં ખોટી અરજીઓ કરી હેરાન કરતા હોવાનો અને નુક્શાની પેટે પૈસા પડાવી ઝઘડા કરતા હોવાની રજૂઆત કરી છે. સોસાયટીના હોદેદારો આ બાબતે પોલીસ દંપતિને રજૂઆત કરવા જાય તો તેઓની સાથે પણ દંપતિ ઝઘડા કરી પોલીસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા હોવાના પણ આક્ષેપો કર્યા છે. અને આ દંપતિની લુખ્ખી દાદાગીરીમાંથી સોસાયટીના સભ્યોને કાયમી મુક્તિ અપાવવા માંગણી કરી છે.