For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘુડશિયા, ચંદ્રગઢના 61 મકાનો તોડવાની નોટિસ રદ

12:40 PM Nov 25, 2024 IST | Bhumika
ઘુડશિયા  ચંદ્રગઢના 61 મકાનો તોડવાની નોટિસ રદ
Advertisement

જામનગર જિલ્લાના ઘુડશીયા અને ચંદ્રગઢ ગામના રહેવાસીઓ માટે હાઇકોર્ટે રાહતના સમાચાર આપ્યા છે. ગ્રામ્ય મામલતદાર દ્વારા મકાન ખાલી કરવાની આપવામાં આવેલી નોટિસ ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે.
થોડા સમય પહેલા મધર્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ જામનગર જિલ્લાના ઘુડશીયા અને ચંદ્રગઢ સહિતના ગામોના 521 જેટલા ગ્રામજનોએ પોતાના મકાનને ગ્રામીણ સ્વામિત્વ યોજના હેઠળ સરકારી ધારા-ધોરણ મુજબ રેગ્યુલરાઇઝ કરવા માટે જિલ્લા કલેક્ટરને અરજીઓ કરી હતી. જોકે, આ અરજીઓ પેન્ડિંગ હતી ત્યારે જ ગ્રામ્ય મામલતદારે આવેલી 521 અરજીઓમાથી સરકારી જમીન પર બાંધકામ થયેલા 61 જેટલાં આસામીઓને મકાન ખાલી કરવાની સામી નોટિસ ફટકારી હતી.

આ નોટિસ સામે મધર્સ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ગ્રામજનોએ પોતાના મકાનમાં છેલ્લા 24 થી 49 વર્ષથી રહે છે અને તેમના મકાનને રેગ્યુલરાઇઝ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે ત્યારે તેમને મકાન ખાલી કરવાની નોટિસ આપવી એ અન્યાયકારક છે.

Advertisement

ગુજરાત હાઇકોર્ટે અરજદારોની દલીલોને ધ્યાનમાં લઈને ગ્રામ્ય મામલતદાર દ્વારા આપવામાં આવેલી નોટિસને રદ્દ કરી દીધી છે. આ સાથે જ કોર્ટે જિલ્લા કલેક્ટરને આગામી છ મહિનામાં અરજદારોની અરજીઓ પર નિર્ણય લેવાનો આદેશ કર્યો છે.આ નિર્ણય ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રાહતના સમાચાર છે. આ નિર્ણયથી ગ્રામજનોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થયું છે અને તેઓ હવે પોતાના ઘરોમાં નિશ્ચિંત રહી શકશે. આ નિર્ણયથી સરકારી તંત્રને પણ એક સંદેશો મળ્યો છે કે ગરીબોના હિતોનું રક્ષણ કરવું જોઈએ.અરજદાર તરફથી એડવોકેટ પ્રશાંત શર્માએ ઉચ્ચ ન્યાયાલય સમક્ષ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે,અરજદારોએ પોતાનું ઘર રેગ્યુલરાઇઝ કરવા માટે જામનગર જીલ્લા કલેકટર સમક્ષ અરજી કરી હતી જેમાં મકાનની પુરતી વિગત અને માલીકીના દસ્તાવેજો પણ જોડવામાં આવેલ છે.

જામનગર જિલ્લાના ઘુડશીયા અને ચંદ્રગઢ ગામોના રહેવાસીઓ માટે મધર્સ ફાઉન્ડેશન એક આશાનો કિરણ બનીને ઉભું રહ્યું છે. ગ્રામ્ય મામલતદાર દ્વારા મકાન ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવતાં હતાશ થઈ ગયેલા આ ગ્રામજનોને મધર્સ ફાઉન્ડેશને વિનામૂલ્યે કાનૂની સહાય પૂરી પાડી છે.આ મામલે મધર્સ ફાઉન્ડેશને ગ્રામજનો વતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કોર્ટમાં દલીલો કરી હતી.

કોર્ટે ગ્રામજનોના હિતમાં નિર્ણય આપીને નોટિસ રદ્દ કરી દીધી હતી. આ નિર્ણયથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને તેઓ પોતાના ઘરોમાં નિશ્ચિંત રહી શકશે.

મધર્સ ફાઉન્ડેશન એક સમાજસેવી સંસ્થા છે જે ગરીબ અને વંચિત લોકોના હિતમાં કામ કરે છે. આ સંસ્થાએ ગ્રામજનોને કાનૂની સહાય પૂરી પાડીને સાબિત કર્યું છે કે સમાજસેવી સંસ્થાઓ સમાજમાં કેટલું મહત્વનું કામ કરી શકે છે.

મામલતદારની ગેરકાયદેસર નોટિસ સામે ગ્રામજનોમાં રોષ
જામનગર જિલ્લાના ઘુડશીયા અને ચંદ્રગઢ ગામના ગ્રામજનોએ ગ્રામ્ય મામલતદાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, મામલતદારે તેમના મકાન દૂર કરવાની નોટિસ ફટકારીને નિતી-નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને ગ્રામજનોના સંવૈધાનિક હકોનું ઉલ્લંઘન કર્યું છે.ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, મામલતદારે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61નો દુરુપયોગ કરીને ગ્રામજનોને હેરાન પરેશાન કર્યા છે. તેમનું કહેવું છે કે, મામલતદાર મલ્ટીનેશનલ કંપનીઓ કે વગદાર વ્યક્તિઓ સામે નમ્ર વર્તન કરે છે પરંતુ સામાન્ય ગ્રામજનો સાથે અહંકારી વર્તન કરે છે.આ ઉપરાંત, ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, મામલતદાર વરસાઇમાં નામ ચડાવવા અને નોંધ મંજૂર કરવા માટે ગ્રામજનો પાસેથી લાંચ લેતા હોય છે. ગ્રામજનોનું કહેવું છે કે, મામલતદાર આવી પ્રવૃત્તિઓ કરીને પોતાની ખુરશીનો દુરુપયોગ કરે છે.ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે. તેમનું કહેવું છે કે, તેઓ ન્યાય માટે કોઈપણ હદે જવા તૈયાર છે. ગ્રામજનોએ આ મામલે સરકાર પાસેથી ન્યાયની માંગ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement