પતિની કેન્સરની બીમારી જોઈ ન શકતા પત્નીએ ઝેર પીધું
રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે પતિની કેન્સરની બિમારી જોઈ ન શકતાં પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે બીજા બનાવમાં વિશ્ર્વનગરમાં માનસિક બિમારીથી કંટાળી પ્રૌઢાએ એસીડ ગટગટાવી લેતાં તેને સારવારમાં ખસેડાયા હતાં.
જાણવા મળતી વિગત મુજબ, હલેન્ડા ગામે રહેતાં નીતાબેન કિશોરભાઈ પારેલીયા (ઉ.50) નામના મહિલાએ આજે સવારે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં નીતાબેનને સંતાનમાં એક પુત્રી હોવાનું અને તેના પતિને કેન્સરની બિમારી હોય જેથી પતિની બિમારી જોઈ ન શકતા ટેન્શનમાં આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.જ્યારે બીજા બનાવમાં મવડી પ્લોટમાં આવેલા વિશ્ર્વનગર શેરીનં.11માં રહેતા હંસાબેન ભીમજીભાઈ ગાધેર (ઉ.60) નામના પ્રૌઢાએ આજે સવારે પોતાના ઘરે માનસિક બિમારીથી કંટાળી એસીડ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.