અધધધ… ઝઙઘ સાગઠિયાની બેનામી સંપત્તિ 28 કરોડે પહોંચી
ટ્વિન ટાવરમાં આવેલી ઓફિસના સીલ ખોલી તિજોરી ખોલતા કુબેર ભંડાર મળ્યો : હજુ છ બેન્ક લોકર ખોલવાના બાકી
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા મહાનગરપાલિકા ટાઉન પ્લાનીંગ શાખાના ઓફિસર મનસુખ સાગઠિયા પાસેથી અગાઉ 10 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવતા એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને આજે સવારે જેલ હવાલે રહેલા ટીપીઓ સાગઠિયાનો કબ્જો મેળવી ટવીન ટાવર ખાતે આવેલી તેની સીલ કરાયેલી ઓફિસના સીલ તોડી અધ્યતન તિજોરી ખોલવામાં આવતા તેમાંથી વધુ 18 કરોડનો દલ્લો મળી આવતા ટીપીઓ સાગઠિયાની બેનામી સંપત્તિનો આંક 28 કરોડે પહોંચી ગયો છે.
રાજકોટના નાનામૌવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં સવા મહિના પહેલા લાગેલી ભીષણ આગમાં બાળકો સહિત 27 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ અગ્નિકાંડ મહાનગરપાલિકાના પાપે સર્જાયો હોવાનું તપારસમાં બહાર આવતા પોલીસે ટીપીઓ મનસુખ સાગઠિયા અને ફાયર બ્રિગેડના અધિકારીઓ સહિતનાઓની ધરપકડ કરી હતી.
અગ્નિકાંડમાં સંડોવાયેલા ટીપીઓ સાગઠિયા પાસે બેનામી સંપત્તી હોવાની ફરિયાદ થતાં એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીપીઓ સાગઠિયા પાસેથી તેની આવક કરતા 10 કરોડની વધુ અપ્રમાણસર મિલ્કત મળી આવતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને તેના 6 બેન્ક લોકર તેમજ તેની 150 ફૂટ રીંગ રોડ પર ટવીન ટાવરમાં નવમાં માળે આવેલ ઓફિસનેસીલ મારી દેવામાં આવ્યા હતાં.
જેલ હવાલે રહેલા ટીપીઓ સાગઠિયાનો એન્ટીકરપ્શન બ્યુરોએ કબ્જો મેળવી તેની હાજરીમાં ટવીન ટાવરની ઓફિસમાં સીલ તોડી તપાસ કરતા અદ્યતન તિજોરીમાંથી 3 કરોડ રોકડા, 22 કિલો સોનાની જવેરાત બિસ્કીટ અને ગિન્ની અને બે કિલો ચાંદી મળી આવી હતી. જેની ક્મિત 18 કરોડથી વધુ થવા જાય છે.
અગાઉ ટીપીઓ સાગઠિયા પાસેથી 10 કરોડની બેનામી સંપત્તિ મળી આવ્યા બાદ આજે તેની ઓફિસમાંથી વધુ 18 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે આમ સસ્પેન્ડ ટીપીઓ સાગઠિયાની બેનામી સંપત્તિનો આંકડો 28 કરોડને વટાવી ગયો છે જ્યારે હજુ 6 બેન્ક લોકર ખોલવાના બાકી છે.
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અગાઉ 10 કરોડની બેનામી સંપત્તિ બતાવી હતી તે સંપત્તિમાં પેટ્રોલપંપ, જમીન, મકાન, ફ્લેટ સહિતની મિલ્કત દર્શાવવામાં આવી હતી.
જે દસ્તાવેજ પ્રમાણે જંત્રી મુજબના ભાવ લેખે આ મિલ્કતની કિંમત આકવામાં આવી હતી. પરંતુ આ મિલ્કતનો હાલનો બજાર ભાવ કરોડો રૂપિયાને આંબી જાય છે.