બોટાદમાં બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના કરુણ મોત, 4 યુવાનો ઘવાયા
બોટાદ જિલ્લામાં સારંગપુર-સેંથળી રોડ પર બે બાઈક વચ્ચે સામસામે થયેલી ભીષણ અથડામણમાં બે યુવકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓની હાલત ગંભીર છે. મૃતકોમાં એક ભાભણ ગામનો અને બીજો બરવાળા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, એક બાઈક બોટાદથી સારંગપુર તરફ જઈ રહી હતી, જ્યારે બીજી બાઈક સારંગપુર તરફથી બોટાદ આવી રહી હતી. અચાનક બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ગંભીર રીતે ઘાયલ થયેલા ચારેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂૂ કરી હતી. પોલીસે અકસ્માતના કારણો અને સંજોગોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.