કાર અડફેટે બે યુવકો 100 ફૂટ ફંગોળાયા
બેજવાબદારીથી બેશમ દોડતા વાહનો અમુલ્ય માનવ જીંદગીનો ભોગ લઇ રહયા છે અવાર નવાર હિટ એન્ડ રનના બનાવો બનતા રહે છે ત્યારે આવી જ એક ઘટનામા કાર અડફેટે બે આશાસ્પદ યુવકના મોતની ઘટના ગત મોડી રાત્રે બનવા પામી હતી.
અમદાવાદ શહેરના નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે ગત મોડીરાતે ગંભીર અકસ્માત થયો હતો. એક્ટિવા પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને બ્રેઝાએ પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવાચાલક અને તેની પાછળ બેઠેલો યુવક 100 ફૂટ સુધી ફંગોળાયા હતા. અકસ્માતમાં બંને યુવકનાં મોત થયાં છે. કારચાલક હાલ ફરાર થઈ ગયો છે. પોલીસે અકસ્માત મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
બન્ને મિત્ર અશફાક અજમેરી (ઉં.વ. 22 રહે જમાલપુર) અને તેના અકરમ કુરેશી(ઉં.વ. 35 રહે જમાલપુર) એક્ટિવા (GJ01 PX 9355 ) મા નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રાતના 1.30 વાગ્યે એક બ્રેઝા(GJ27DM9702 ) ચાલકે એટલી જોરથી ટક્કર મારી કે એક્ટિવા BRTS રેલિંગમાં ઘૂસી ગયું હતું. જેમાં અકરમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે અશફાક અજમેરીને સોલા સિવિલમાં ફરજ પરના ડોક્ટરે 5:20 વાગ્યે મૃત જાહેર કર્યો હતો. બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતા ગ ડિવિઝન ટ્રાફિકની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસે આ મામલે બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. હાલ બ્રેઝા કાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.