ગાંધી વસાહત સોસાયટી અને સંતોષીનગરના બે યુવકના હૃદયરોગના હુમલાથી મોત
જુદા - જુદા બે સ્થળે પ્રૌઢા અને યુવાને બીમારી સબબ દમ તોડયો
રાજકોટ સહિત રાજ્યભર હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટમાં વધુ બે યુવકના હદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. મોરબી રોડ પર ગાંધી વસાહત સોસાયટીમાં રહેતો પાર્થ કાંતિભાઈ જાદવ નામનો 21 વર્ષીય યુવક શનિવારે રાત્રે જમ્યા બાદ મિત્રો સાથે ચાલવા નીકળ્યો હતો પરત ફરતી વેળાએ રસ્તામાં અચાનક જ તેને ગભરામણ થતાની સાથે ઉલટી થયા મિત્રોએ તેને ઘરે પહોંચાડયો હતો. યુવક ઘર નજીક પહોંચતા જ ફરી વાર ઉલ્ટી થયા બાદ બેભાન થઈ ઢળી પાડતાં તાત્કાલીક કારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું હતું.
બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં રહેતા જયેશગીરી અમૃતગીરી ગોસ્વામી નામના 36 વર્ષના યુવકને હદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. અન્ય બનાવમાં મવડી વિસ્તારમાં આવેલી માટેલ સોસાયટીમાં રહેતા ભાવનાબેન રાજેશભાઈ જેઠવા નામના 50 વર્ષના પ્રોઢા અને માલધારી સોસાયટીમાં રહેતા મેરાભાઈ ભીખાભાઈ કારેઠા નામના 41 વર્ષના યુવકનું બીમારી સબબ મોત નીપજતા બંને પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.