ગોંડલ હાઈવે પાસેથી બે યુવાનો ઈજાગ્રસ્ત મળ્યા, એકનું મોત
ખાટલામાં સૂતેલા બન્ને યુવાનો ઉપર હુમલો થયો કે કોઈ વાહને અડફેટે લીધા તે જાણવા સીસીટીવી ઉપર તપાસ કેન્દ્રિત
રાજકોટ-ગોંડલ હાઈવે પર સડક પીપળિયા ગામ પાસે માલધારી હોટલ નજીક બે યુવાનો ખાટલામાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાય હતાં. જેમાંથી એકનું મોત થયું હતું. હવે આ બનાવ આકસ્મીક મોતનો છે કે, આ બન્ને યુવાનો ઉપર કોઈએ હુમલો કર્યો તે બાબતની તપાસ ગોંડલ તાલુકા પોલીસે શરૂ કરી સીસીટીવી કેમેરા ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ ગોંડલ હાઈવે પર હાલ રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડ બનાવવાના કામ કરતી કંપનીને ત્યાં નોકરી કરતા મુળ રાજસ્થાનના મનીષ રામખિલાડી અજર ઉ.વ.35 અને અજય કૈલાશકુમાર ઉ.વ.17 આજે સવારે પાંચ વાગ્યે સડક પિપળિયા ગામના પાટિયા નજીક જ્યાં સર્વિસ રોડ શરૂ થાય છે ત્યાં જ નજીકમાં ઝુપડા જેવા બનાવેલા મકાન બહારથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતાં.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા મનીષનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અજયની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મનિષ ચાર ભાઈ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરનો હતો. અને સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરીઓ છે. જ્યારે 17 વર્ષનો અજય ત્રણ ભાઈ અને ચાર બહેનમાં નાનો છે. મુળ રાજસ્થાનના આ બન્ને યુવાનો છેલ્લા આઠ મહિનાથી રોડ કોન્ટ્રાક્ટનું કામ કરતા રાજસ્થાનના કોન્ટ્રાક્ટરને ત્યાં નોકરી કરતા હતાં.
બનાવની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ રાજેશભાઈ સોલંકી સહિતનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આ બન્ને યુવાનો ખાટલામાં સુતા હોય ત્યારે આ બનાવ બન્યો હોય તેને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. બન્ને ઉપર કોઈએ હુમલો કર્યો કે પછી કોઈ વાહન અડફેટે બન્ને ચડી ગયા તે બાબતની તપાસ કરવા માટે હાલ પોલીસે સીસીટીવી કેમેરા ઉપર તપાસ કેન્દ્રીત કરી છે