કોટડાસાંગાણી નજીક બે બાઇક અથડાતા બે યુવાનોના મોત
રાજકોટનો યુવાન પુત્રી અને બહેનને મુકી પરત આવતો હતો ત્યારે કારખાનેથી ઘરે જતા યુવકના બાઇક સાથે સર્જાયો અકસ્માત
કોટડાસાગાંણી તાલુકાના રાજગઢ ખાંડાધાર રોડ પર બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ અકસ્માત માં બે યુવાન નાં મોત નિપજ્યા હતા.જ્યારે એકને ગંભીર ઇજા પંહોચતા સારવાર માં રાજકોટ ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગત રાતે રાજગઢ ખાંડાધાર રોડ પર સામસામે આવી રહેલા બે બાઇક ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સરજાયો હતો.જેમા રોહિત દીપકભાઈ રાઠોડ (ઉ.વ. 24) (રહે. રામોદ) અને કરણભાઈ કમલેશભાઈ દિવેચા (ઉ.વ. 28) (રહે. રાજકોટ મૂળ. રામપરા - નવાગામ)નાં ઘટના સ્થળે ગંભીર ઇજાઓ ને કારણે મોત નિપજ્યા હતા. રોહિત તેમની સાથે કામ કરતા કિશન રસિકભાઈ પડાળીયા (ઉ.વ.23) સાથે શક્તિમાનમાં નોકરી પુરી કરી બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા.
જ્યારે કરણભાઈ તેમની દીકરી અને બહેનને રામપરા નવાગામ ઘરે મૂકી પરત રાજકોટ ફરી રહ્યો હતો. કરણભાઈ પરણિત છે. સંતાનમાં એક દીકરી છે. છુટક મજૂરી કામ કરી પરિવાર ગુજરાન ચલાવે છે. રોહિતભાઈ એક વર્ષથી શક્તિમાનમાં નોકરી કરે છે. પરિવારમાં માતા અને બે ભાઈઓ અને એક બેહનમાં સૌથી નાનો હતો. બનાવ ની જાણ થતાં કોટડા સાગાંણી પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. મોટી સંખ્યામાં સગા સંબંધી અને મિત્રો સિવિલ હોસ્પિટલ એકઠા થયા હતા.