CPના બંગલા પાસે અજાણ્યા વાહનની ઠોકરે બે મહિલા કોન્સ્ટેબલ ઘવાઈ
- ટ્રાફિક સેમિનારમાંથી ઘરે જવા નીકળી હતી ત્યારે બની ઘટના: એકની હાલત ગંભીર: જોઈન્ટ સી.પી. હોસ્પિટલે દોડી ગયા
રાજકોટ શહેરના રાજમાર્ગો પર અકસ્માતની ઘટના સાવ રોજિંદી બની ગઈ છે. શહેરમાં ગમે તેટલા ઓવરબ્રીજ બનાવો પરંતુ જ્યાં સુધી ટ્રાફીક સેન્સ નહીં આવે ત્યાં સુધી અકસ્માતોની ઘટના બનતી જ રહે છે. ગઈકાલે સાંજે પોલીસ કમિશ્નરના બંગલા પાસે ઘરે જવા નીકળેલી બે મહિલા કોન્સ્ટેબલને જેટ સ્પીડે નીકળેલા અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં બન્ને મહિલા કોન્સ્ટેબલને ગંભીર ઈજા પહોીં હતી. અકસ્માત બાદ ચાલક વાહન લઈ નાસી છુટયો હતો.
આ ઘટના અંગેની જાણવા મળતી માહિતી મુજબ પોલીસ હેડ કવાર્ટરમાં રહેતી અને આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ મનિષાબેન ખીમજીભાઈ ડાભી (ઉ.22) અને ચેતનાબેન આર.ધરજીયા (ઉ.22)ગઈકાલે સાંજે ટ્રાફીક સેમીનારમાં ગઈ હતી અને ત્યાંથી સેમીનાર પુરો કરી એકટીવા પર પોલીસ હેડકવાર્ટર પર આવેલ તેમના નિવાસસ્થાને જવા નીકળી હતી.
સમી સાંજે પોલીસ કમિશ્નરના બંગલા પાસે જ પુરઝડપે આવતી ફોર વ્હીલ કારના ચાલકે ડબલ સવારી એકટીવાને હડફેટે લેતાં બન્ને મહિલા કોન્સ્ટેબલ ઉછળીને રોડ પર પટકાઈ હતી. જેમાં મનીષાબેનને માથામાં ગંભીર ઈજા થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ચેતનાબેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ અજાણ્યો કાર ચાલક પોતાનું વાહન લઈ નાસી છુટયો હતો. આ ઘટનાની જાણ થતાં પ્ર.નગર પોલીસે સીસીટીવીના આધારે અકસ્માત સર્જી નાસી છુટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. બીજી બાજુ અકસ્માતની જાણ થતાં જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધી ચૌધરી બન્ને મહિલા કોન્સ્ટેબલની ખબર કાઢવા હોસ્પિટલ પર દોડી ગયા હતા અને તેઓની સારવારમાં કોઈ કચાસ ન રહે તે માટે ખાસ સુચના આપી હતી.