સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાની શાળામાં ચાલુ ક્લાસે પંખો ખાબકતા બે છાત્રો ઘવાયા
સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામમાં આવેલી એક શાળામાં એક ગંભીર ઘટના બની હતી. ચાલુ ક્લાસરૂૂમ દરમિયાન અચાનક પંખો છત પરથી નીચે પડતાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે શાળા અને વાલીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓ ક્લાસરૂૂમમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે છત પર લગાવેલો પંખો અચાનક છૂટો પડીને નીચે બેઠેલા વિદ્યાર્થીઓના માથા પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘટના બનતા જ શાળા સ્ટાફ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.
ઇજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તાત્કાલિક વિરમગામની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે, શાળામાં પંખા અને અન્ય માળખાકીય સુવિધાઓની જાળવણી યોગ્ય રીતે થતી નથી. આવી બેદરકારીના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાય છે. વાલીઓએ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની અને શાળાઓમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂૂરી સુરક્ષાના પગલાં લેવાની માંગ કરી હતી.