સિવિલમાં બે રિક્ષા સામસામે ટકરાઇ ચા ઢોળાતા રિક્ષા સવાર કૂક દાઝી ગયો
રસોડામાં કામ કરતો યુવાન ચા લઇ જનાના હોસ્પિટલમાં દેવા જતો હતો ત્યારે નડ્યો અકસ્માત
સિવિલ હોસ્પિટલમાં બે રીક્ષા સામસામે ટકરાતા અકસ્કમત સર્જાયો હતો જેમાં ચા ઢોળાતા રીક્ષા સવાર કૂક દાઝી જતા તેને સારવારમાં ખસેડાવામાં આવ્યો હતો. રસોડામાં કામ કરતો યુવાન રીક્ષામા ચા લઇને જનાના હોસ્પિટલમાં દેવા જતો હતો ત્યારે આ ઘટના બની હતી.જાણવા મળતી વિગત મુજબ ચુનારાવાડા શેરી નં.પાં રહેતો અને સિવિલ હોસ્પિટલમાં રસોડા વિભાગમાં કૂક તરીકે કામ કરતો શૈલેષ અનંતરાય ગોરાસવા (ઉ.વ.40)નામનો યુવાન ગત તારીખ 1ના બપોરે સિવિલ હોસ્પિટલના રસોડામાંથી ચા બનાવી ચાના જગ રીક્ષામાં રાખી જનાના હોસ્પિટલમાં દેવા માટે જતો હતો ત્યારે માનસિક વોર્ડ પાસે પહોંચતા સામેથી ઓકસિઝનના બાટલા ભરેલી રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રીક્ષામાં રહેલા જગમાંથી ગરમ ચા શૈલેષ ઉપર ઢોળાતા તે પેટના ભાગે ગંભીર રીતે દાઝી જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બન્ને રીક્ષાના કાચ ફૂટી ગયા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.