ખંભાળિયા નજીક હાઈવે પર બેફામ રીતે સ્ટંટ કરતા બે રીક્ષા ચાલકોને દબોચી લેવાયા
ખંભાળિયા - દ્વારકા માર્ગ પર બે રીક્ષા ચાલકો દ્વારા બેફામ રીતે સ્ટંટ કરીને કોઈ પણ વ્યક્તિના જીવનને જોખમાય તે રીતે રીક્ષાઓ ચલાવતા પોલીસે તાકીદે કાર્યવાહી કરી, જામનગરમાં રહેતા બે શખ્સોને ઝડપી લીધા હતા.ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર બે રીક્ષા ચાલકો મોતનો ભય રાખ્યા વગર લોકોને જિંદગી જોખમાય તે રીતે રીક્ષા ચલાવતા હોવા અંગેના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલા વીડિયો ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના ધ્યાન પર આવ્યા હતા. આના અનુસંધાને ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયાએ આ અંગે જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. વી.એમ. સોલંકીને આપેલી સૂચના અંતર્ગત પોલીસ સ્ટાફ દ્વારા રિક્ષા નંબર પરથી તાકીદની કાર્યવાહી કરી અને આ પ્રકરણમાં જવાબદાર મનાતા જામનગરના માજોઠી નગર વિસ્તારમાં રહેતા સાજીદ આમદ માકોડા (ઉ.વ. 33) અને બસીર યુસુફ સમા (ઉ.વ. 22) નામના બે શખ્સોને રીક્ષા સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ બંને સામે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખંભાળિયાથી દ્વારકા તરફ જતા માર્ગે વડત્રા અને દાત્રાણા ગામના પાટીયા વચ્ચેનો આ વિડીયો હોવાનું કહેવાય છે. આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. વી એમ. સોલંકી, હેમતભાઈ નંદાણીયા, જયમીનભાઈ ડોડીયા, ખીમાણંદભાઈ આંબલીયા, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર તેજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં પણ આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા શખ્સો સામે પોલીસ તંત્ર દ્વારા કડક સાથે કામગીરી કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.