સેન્ટ્રલ જેલમાં બે કેદીએ જુદા જુદા સમયે કાચ અને ખીલી ખાતા તબિયત લથડી
શહેરમાં આવેલી સેન્ટ્રલજેલમાં સજા કાપતા કેદીઓ અવાર નવાર કાચ, ખીલી અને જવલનશીલ પ્રવાહી ગટગટાવી લેતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં સેન્ટ્રલજેલમાં સજા કાપતા બે કેદીએ જુદા જુદા સમયે કોઈ અગમ્ય કારણસર કાચ અને ખીલી ખાઈ લેતા બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સેન્ટ્રલજેલમાં સજા કાપતા અબ્દુલ ગની ફારૂકભાઈ ફક્સવાડિયા ઉ.વ.24એ રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં યાર્ડ નં. 6માં કોઈ અગમ્ય કારણસર ખીલી ખાઈ લીધી હતી. જ્યારે અન્ય કેદી સન્ની મહેન્દ્રભાઈ રાઉમા ઉ.વ.22એ કોઈ અગમ્યકારણસર ખીલી અને કાચ ખાઈ લીધા હતાં.
જ્યારે અન્ય બનાવમાં સેન્ટ્રલજેલમાં સજા કાપતા કિશન સુરેશભાઈ વાજા ઉ.વ. 30 બિમારી સબબ ઢળી પડ્યો હતો. સેન્ટ્રલજેલના ત્રણેય કેદીઓને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.