ગોંડલ પાસેથી 5.56 લાખનો વિદેશી દારૂ ભરેલ છોટા હાથી સાથે બે શખ્સો ઝડપાયા
ગોંડલના બે શખ્સોએ દારૂ ભરી આપ્યો હતો: 7.76 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ જિલ્લાના દારૂના ધંધાર્થીઓ ભરી બેફામ બન્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ સાબદુ બન્યું છે અને દારૂના ધંધાર્થીઓ પર વોચ રાખી છેલ્લા એક સપ્તાહથી દરોડાનો દૌર શરૂ કર્યું છે. જેમાં ગઈકાલે મોડીરાત્રે ગોંડલના ભુણાવા ગામની સીમમાં વિદેશી દારૂનું મોટાપાયે કટીંગ થતું હોવાની બાતમી પરથી ગોંડલ તાલુકા પોલીસે દરોડો પાડી તપાસ કરતાં વિદેશી દારૂ ભરેલી છોટા હાથી સાથે બે શખ્સો મળી આવતાં 7.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની વાત પોલીસ તપાસમાં ખોટી નીકળી હતી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ તાલુકાના ભુણાવા ગામની સીમમાં મોટા મણિકા ગામ નજીક મામા દેવના મંદિર પાસે પોલીસે વહેલી સવારે છાપો મારી તપાસ કરતાં શંકાસ્પદ હાલતમાં નીકળેલ ટાટાની છોટા હાથી અટકાવી તલાસી લેતાં તાલપતરી નીચે છુપાવેલ રૂા.5,56,200ની કિંમતની 1363 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ગોંડલ સિવિલ હોસ્પિટલ સામે રહેતા વિજય કિશોરભાઈ પરમાર અને કપુરીયા ચોકમાં રહેતા પાર્થ ઉર્ફે ગુડ્ડુ ભીખાભાઈ ડાભીની ધરપકડ કરી વિદેશી દારૂ, બે લાખની છોટા હાથી અને 20 હજારના બે મોબાઈલ ફોન મળી કુલ 7,76,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની પુછપરછમાં ગોંડલના રાજુ ભીખાભાઈ પરમાર અને ભાવેશ દુધરેજીયાએ આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યાની કબુલાત આપતાં પોલીસે આ બન્ને બુટલેગરની શોધખોળ કરી છે. આ દરોડાની કાર્યવાહી ગોંડલ તાલુકાના રવિરાજસિંહ વાળા સહિતના સ્ટાફે કરી હતી.