અમદાવાદથી પ્રયાગરાજની વધુ બે ફ્લાઇટ મુકાઇ, ભાડામાં ઉઘાડી લૂંટ
કુંભમાં ગુજરાતીઓના ધસારાને પગલે 28મીથી ઇન્ડિગો અને અકાસા એરની ફલાઇટો શરૂ થશે
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં સામેલ થવા માટે દેશ-વિદેશથી ભક્તોનો પ્રવાહ પ્રયાગરાજ તરફ આવી રહ્યો છે. ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં કુંભમેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભ મેળામાં જવા માટે ભક્તોની સંખ્યામાં વધારો થતાં અમદાવાદથી પ્રયાગરાજની વધુ બે ફ્લાઈટ શરૂૂ કરવાનો નિર્ણય કરાયો છે. 28મી તારીખથી અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ વચ્ચે ઈન્ડિગો અને અકાસા એરની ખાસ ફ્લાઈટનો પ્રારંભ કરાશે. જો કે , કુંભમા જવા ધસારાના કારણે એરલાઇન્સ કંપનીઓ દ્વારા ભાડામા ચાલી રહેલી ઉઘાડી લૂંટ અંગે સરકાર મૌન છે. હાલ સ્પાઇસ જેટ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ માટે દરરોજ બે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી રહી છે, જેના ભાડાંમાં તોતિંગ વધારો થયો છે.
અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદની રાઉન્ડ ટ્રિપનું ભાડું હાલમાં 35,000 જેટલું થયું છે. ત્યારે હવે સ્પાઈજેટ એરલાઇન્સ બાદ ઈન્ડિગો અને અકાસા એરલાઇન્સ દ્વારા પણ કેટલાક દિવસો માટે ખાસ ફ્લાઈટની શરૂૂઆત કરવામાં આવી છે.પ્રયાગરાજના કુંભમેળામાં જતા ગુજરાતના પ્રવાસીઓનો ધસારો જોઈને ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા જાન્યુઆરી માસમાં 28 અને 30 તારીખે તથા ફેબ્રુઆરી માસમાં 01, 04, 05, 11, 13, 24, 25, 27 અને 28 એમ કુલ 11 દિવસ માટે અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદની સીધી ફ્લાઈટ ઓપરેટ કરાશે. આ ફ્લાઈટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 પરથી સવારે 11:20 કલાકે ટેક ઓફ થઈને બપોરે 1:10 કલાકે પ્રયાગરાજ એરપોર્ટ ખાતે પહોંચાડશે તથા પ્રયાગરાજ એરપોર્ટથી બપોરે 2:00 વાગ્યે ટેક ઓફ થઈને બપોરે 3:55 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. સીધી ફ્લાઈટમાં ફક્ત એક વખતનું ભાડું રૂ. 20,000થી 30,000 રૂૂપિયા સુધીનું છે, એટલે કે ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ પસંદ કરો તો ખિસ્સા પર 60થી 70 હજાર સુધીનો ખર્ચ કરવો પડશે.
અકાસા એરલાઇન્સ દ્વારા પણ ફક્ત મહાકુંભ મેળા માટે કેટલાક દિવસ માટે અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ માટે સીધી ફ્લાઈટ શરૂૂ કરવામાં આવી છે. જાન્યુઆરી માસમાં 28 અને 29 જાન્યુઆરી 2025 તથા ફેબ્રુઆરી માસમાં 11, 12, 25 અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ માટે સીધી ફ્લાઇટ ઓપરેટ થશે.અમદાવાદથી પ્રયાગરાજ માટેની ફ્લાઈટ ચઙ 1852 સવારે 10:50 કલાકે અમદાવાદથી ટેકઓફ થઈને બપોરે 12:30 કલાકે પ્રયાગરાજ પહોંચશે, એટલે કે 1 કલાક 40 મિનિટમાં અમદાવાદથી પ્રયાગરાજ પહોંચી શકાશે તથા પ્રયાગરાજથી અમદાવાદ માટેની ફ્લાઈટ ચઙ 1853 બપોરે 1:10 કલાકે પ્રયાગરાજથી ટેકઓફ થઈને બપોરના 3:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અકાસા એરલાઇન્સ દ્વારા મહાકુંભમેળામાં જવા માટે એક વખતનું ભાડું 16000થી 23,000 સુધી ચૂકવવું પડી શકે છે. હાલ ભારે ધસારાના કારણે અમદાવાદથી પ્રયાગરાજનુ રિટર્ન ભાડુ રૂા. 35 હજાર વસુલવામા આવી રહયૂ છે.
એરલાઇન્સો દ્વારા ઉઘાડી લૂંટ સામે વિ.હિ.પની નારાજગી
પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. કરોડો લોકો અમૃત સ્નાન કરે છે અને હજુ પણ કરોડો લોકો મહાકુંભમાં જવાના છે. ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરોમાંથી આશરે 2 કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવો અંદાજ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત તરફથી અપીલ કરાઇ છે કે , મહાકુંભ પ્રસંગે પ્રયાગરાજ હવાઈ જહાજના ભાડા બેફામ લેવાય છે. તેના ઉપર નિયંત્રણ મુકાય એવી અપીલ કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટથી પ્રયાગરાજ જવા માટે હાલ એક માત્ર સ્પાઈસજેટ ફ્લાઇટની સુવિધા છે. જે છેલ્લા બે દિવસથી હવાઈ જહાજના ભાડામાં એકાએક ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાઉન્ડ ટ્રીપ માટે મુસાફરે લગભગ 35,000 ચૂકવવા પડી રહ્યા છે. એટલું જ નહીં દેશના અન્ય મોટા શહેરોથી પ્રયાગરાજ જવા માટે પ્રવાસ કરવા મુસાફરોએ હવાઈ મુસાફરી માટે ખૂબ જ વધારે ભાડું ચૂકવવું પડી રહ્યું છે. સમગ્ર મામલે સરકાર હસ્તક્ષેપ કરે અને DGCAનું ધ્યાન દોરી પ્રયાગરાજ માટે હવાઈ મુસાફરી કરતા શ્રદ્ધાળુઓ પાસે ચાર ગણું ભાડું વસૂલથી ખાનગી એરલાઇન્સ કંપની ઉપર ભાડું લેવા કેપ નક્કી કરે તેવી વિનંતી છે. હવાઈ કંપનીઓએ મહાકુંભના પ્રસંગે કમાણી માટેનું સાધન બનાવ્યું હોવાનું ભાસ થાય છે. હિન્દુઓના હિતમાં સરકારે ત્વરિત પગલાં લેવા અનુરોધ કર્યો