ફીનો સ્લેબ નક્કી નહીં થતા બે લાખ વાલીઓ મૂંઝવણમાં
FRC ચેરમેનની જગ્યા તાકીદે ભરવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત
રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિમાં રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાની 5,000 થી વધુ ખાનગી શાળાઓની ફી નક્કી કરવાની સત્તા છે. આ ફી નિયમન સમિતિ (ઋછઈ) ના ચેરમેનની જગ્યા છેલ્લા પાંચ મહિના કરતા વધારે સમયથી ખાલી હોવાથી આશરે 650 સ્કૂલોની ફી વધારા માટેના નિર્ણય અટકેલા પડયા છે, જેની સીધી અસર બે લાખથી વધુ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો ઉપર પડી રહી છે. જે સંદર્ભે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને ફી નિયમન સમિતિ (એફ.આર.સી)ના ચેરમેનની ખાલી જગ્યા સત્વરે ભરવા રજૂઆત અને માંગણી કરવામાં આવી છે.
આ અંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા અખબારી યાદીમાં જણાવે છે કે, સરકાર દ્વારા અમલ કરવામાં આવતા ખાનગી શાળાઓના ફી નિર્ધારણ કાયદા અનુસાર સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિ કાર્યરત છે, પરંતુ ગત તા.31 જાન્યુઆરી, 2025 ના રોજ સમિતિના પૂર્વ ચેરમેન પી.જે. અગ્રાવત દ્વારા રાજીનામું અપાયા બાદ, સરકાર દ્વારા હજુ સુધી નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. સરકાર દ્વારા ચેરમેનની જવાબદારી હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયધીશને સોંપવામાં આવતી હોય છે, પરંતુ કોઇ પણ કારણોસર હજુ સુધી નિમણૂક ન થતા, બે લાખથી વધુ વાલીઓ અને શાળા સંચાલકો 2024-25 અને 2025-26ની ફી બાબતે અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. આ પરિસ્થિતિમાંથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોને બહાર કાઢવા માટે સરકાર સત્વરે ચેરમેનની નિમણૂક કરે એ અનિવાર્ય છે. હાલમાં આશરે 650 જેટલી સૌરાષ્ટ્ર ઝોનની શાળાઓના ફી વધારા માટેના નિર્ણયો અટકેલા છે.
એક વખત ચેરમેનની નિમણૂક થાય અને જે-તે શાળાની ફી નિર્ધારણની અરજી પર નિર્ણય આવે ત્યારબાદ શાળા સંચાલક અને વાલીઓ વચ્ચે નિર્ધારીત થયેલ 2024-25 અને 2025-26ની ફી અંગે સર્જાયેલ અસમંજસભરી સ્થિતિનો અંત આવશે અને આ મુંજવણનો ઉકેલ મળશે. ફી નિર્ધારણ સમિતિ દ્વારા જે પણ ફી નક્કી કરવામાં આવશે, તે વધારો કે ઘટાડો જે કઈ હશે તે શાળા સંચાલકોને માન્ય રહેશે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફી નિર્ધારણ સમિતિ દ્વારા ભવિષ્યમાં વર્ષ 2024-25 અને 2025-26 માટે જે કોઈપણ ફી નક્કી કરવામાં આવશે તે શાળા સંચાલકોને માન્ય રહેશે. શાળા સંચાલકો હંમેશા ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી થયેલી ફીને જ અનુસરે છે. તેમજ હાલમાં જ્યાં સુધી ફી નિર્ધારણ સમિતિ દ્વારા વર્ષ 2025-26 માટેની ફી નક્કી કરવામાં ન આવે, ત્યાં સુધી શાળા સંચાલકોને તેમની સુચિત ફી લેવા અંગેની છુટ આપવા શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવે છે.
આ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંડળના સંયોજક અજયભાઈ પટેલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી. વી. મહેતા અને મહામંત્રી પરિમલભાઈ પરડવા સહીત તમામ હોદ્દેદારો અને મંડળના સભ્યો દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી, તેમની માંગણી સત્વરે ઉકેલવા અનુરોધ કરવામાં આવે છે.
