ભડિયાદ ઉર્ષમાં જતા શ્રદ્ધાળુઓની ટ્રક વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી, બેનાં મોત
એક યુવાન અને બાળકી ધવાયા, રોડથી નીચે ટ્રક ઉતારતા સમયે દુર્ઘટના
અમદાવાદ જિલ્લામાં ધોલેરા તાલુકાના ભડિયાદ ખાતે મહેમુદશાહ પીર બુખારી દાદાનો સાલાના ઉર્સ શરૂૂ થયો છે. જેમાં ખેડા જિલ્લાના સેવાલિયા તાલુકામાંથી શ્રદ્ધાળુઓ 407 મિની ટ્રકમાં ભડિયાદ પીરની દુઆ સલામ માટે જઈ રહ્યા હતા ત્યારે ધંધૂકા તાલુકાના ફેદરા નજીક રોડથી નીચે ગાડી ઉતારતા સમયે જીવતા જીવ વાયરો અડી જતા કરુણ અકસ્માત સર્જાયો હતો.
જેમાં એક યુવાન અને એક મહિલાનું મોત થયું હતું. જ્યારે બીજા એક યુવાન અને 11 વર્ષીય બાળકીને ઇજા થઇ હતી. અકસ્માતમાં વીજ શોટ બાદ મિનીમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. હાલ ધંધૂકા પોલીસ સદર ઘટનાની વધુ તપાસ ચલાવી રહી છે.
ધોલેરા તાલુકા ના પ્રસિદ્ધ યાત્રા સ્થળ ભડિયાદ બુખારી દાદાના સાલાના ઉર્સની શરૂૂઆત થઈ છે. જેમાં ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. ત્યારે ખેડા જિલ્લાના સેવાલીયા તાલુકાના 15 જેટલા લોકો મંગળવારે ભડિયાદ જવા માટે નીકળ્યા હતા. ત્યારે બપોરના સુમારે ધંધૂકા તાલુકાના ફેદરા નજીક પહોંચતા જ રોડની નીચે મિની ટ્રક ઉતારી હતી. તે સમયે વીજળીના જીવતા વાયરો ગાડી સાથે અડી જતા વીજ શોટ લાગ્યો હતો. જેમાં ચાર લોકોને ઇજાગ્રસ્ત થયા હતા.
જે પેકી ત્રણને ગંભીર હાલતમાં 108 ફેદરાના પાયલોટ સહદેવસિંહ અને ઇએમટી અલ્પેશ પરમાર દ્વારા ધંધૂકાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર માટે ત્રણ લોકોને આરએમએસ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં એક યુવાન અને મહિલાનું કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય યુવાનની સારવાર ચાલુ છે. જ્યારે 11 વર્ષીય બાળકીને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી. ઘટનાની જાણ થતાં જ મેદની કમિટીના સભ્યો અને મુન્ના બાપુ તથા મહેમુદભાઈ સહિતના આગેવાનો ધંધૂકા ખાતેની હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.