ડમ્પર પાછળ ખાનગી બસ ઘુસી જતા બેનાં મોત: 20 મુસાફરો ઘાયલ
રાજકોટ-અમદાવાદ હાઈ-વે ર લીંબડી નજીક જનશાળી ગામના પટિયાપાસે ડમ્પર અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રે હાઈ-વે પર બંધ પડેલા ડમ્પર પાછળ બસ ઘુસી જતાં બે લોકોના મોત નિપજ્યા હતાં જ્યારે 20 લોકોને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલીસ અને 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ લીંબડી-બગોદરા હાઈ-વે પર જનશાળી ગામના પાટિયા પાસે હાઈ-વે પર બંધ પડેલા પથ્થર ભરેલા ડમ્પર પાછળ પાવન ટ્રાવેલ્સ નામની ખાનગી બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે 20 જેટલા લોકોને ઈજા પહોંચી હતી.
બનાવની જાણ થતા જ અમદાવાદ ગ્રામ્યની બગોદરા, ફેદરા, લીમડી, વટામણ સહિતની પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ખાનગી લક્ઝરી બસ જામનગરથી અમદાવાદ આવતી હતી દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ ડમ્પર સાથે ટકરાતા તૂટી ગયો હતો.
હાઇવે પર પથ્થર ભરેલા બંધ ડમ્પરને લક્ઝરીનો ચાલક જોઇ શક્યો નહતો જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લક્ઝરી કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.