નાના મહિકા ગામે કૂવામાં પડી જતાં બે માસૂમ ભાઇનાં મોત
રમતા રમતા કૂવામાં ખાબકયા, બે પુત્રોનાં મોતથી પરિવારમાં શોક
ગોંડલ તાલુકાનાં નાના મહીકા ગામે વાડીનાં કુવામાં પરપ્રાંતિય પરીવારનાં બે બાળકો પડી જતા ડુબી જવાથી બન્નેનાં મોત નિપજ્યા હતા.
એક બાળકનો મૃતદેહ તેના પિતાએ કુવામાં પડી બહાર કાઢ્યો હતો.બીજા બાળકનો પતો નહી લાગતા ગોંડલ ફાયર બ્રિગેડ સ્ટાફ તથા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ને જાણ કરાતા ઘટના સ્થળે દોડી જઇ બન્ને બાળકોને કુવામાંથી બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.બન્ને બાળકો સગા ભાઈઓ થતા હતા.
પ્રાપ્ત વિગત મુજબ નાના મહીકા નાં ધીરુભાઈ પોપટભાઇ વિરડીયા ની વાડીમાં ખેત મજુરી કરતા પરપ્રાંતિય ધર્મેન્દ્રભાઈ જાદવ નાં બે પુત્રો રીતીક ઉ.4 તથા અશ્ર્વિન ઉ.2 સવારે વાડીનાં કુવા પાસે રમતા હતા.દરમિયાન રમતા રમતા અકસ્માતે પાણી ભરેલા સાઇઠ ફુટ ઉંડા પાણીમાં પડી જતા ડુબી જવાથી બન્નેનું મોત નિપજ્યુ હતુ.
બન્ને બાળકો નજરે નહી પડતા તેના પરિવારે વાડીમાં શોધખોળ કરી હતી.દરમિયાન કુવા પાસે બન્નેનાં ચંપલ પડ્યા હોય બન્ને કુવામાં પડી ગયાનું માની તેના પિતા ધર્મેન્દ્રભાઈ એ કુવામાં જંપલાવ્યું હતું.જેમા કુવામાં થી એક બાળક નો મૃતદેહ હાથ લાગ્યો હતો.જ્યારે બીજો બાળક ઉંડા પાણીમાં ગરક થઈ ગયો હોય ધર્મેન્દ્રભાઈ એ ગામનાં સરપંચ વિજયભાઇ વીરડીયાને જાણ કરતા તેમણે ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ તથા ફાયરબ્રિગેડ ને બનાવ ની જાણ કરતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડ એમ્બ્યુલન્સ તથા ફાયરબ્રિગેડ સાથે નાના મહીકા દોડી ગયા હતા.જ્યાં ફાયર નાં તરવૈયાઓ એ બીજા બાળકનો મૃતદેહ શોધી કાઢતા બન્ને મૃતદેહો ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
મૃતક બાળકો નો પરીવાર મુળ મધ્યપ્રદેશ નાં દેવાસ જીલ્લા નાં ખેડખાલ ગામનો વતની છે.અને ત્રણ મહીનાથી નાના મહીકા ધીરુભાઈ ની વાડીએ રહી ખેતમજુરી કરેછે.ધર્મેન્દ્રભાઈ ને સંતાન માં બે જ પુત્રો હતા.બન્નેનું કુવામાં ડુબી જવાથી મોત નિપજતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરીછે.