દાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોત
ઇરાદાપૂર્વક અકસ્માતના આક્ષેપ સાથે જૈન મુનિએ અન્નજળનો ત્યાગ કર્યો
દાહોદ નજીક જેકોટ ગામ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં એક જૈન સાધ્વી અને તેમની સાથે ચાલી રહેલા અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે જૈન સમાજમાં શોકની સાથે રોષ ફેલાયો છે. અજાણ્યા વાહનચાલકની ધરપકડ નહી થાય ત્યાં સુધી જૈન મુનિ સુનિલ સાગરજીએ અન્નજળનો ત્યાગ કર્યો છે અને ઈરાદાપૂર્વક અકસ્માત કરવામાં આવ્યો હોવાની આશંકાઓ વ્યક્ત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારના સમયે જૈન સાધ્વી અને તેમની સાથેની વ્યક્તિ હાઇવે પરથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે. જૈન સાધ્વીના અકસ્માતમાં મૃત્યુના સમાચારથી સમગ્ર જૈન સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાનું શરૂૂ કર્યું છે અને ફરાર થયેલા વાહન ચાલકને પકડવા માટે વિશેષ ટીમની રચના કરી છે.