તરણેતરના મેળામાં રાઇડમાં બેસવા બાબતે બે જૂથ વચ્ચે ધબધબાટી બોલી
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ તરણેતરના મેળામાં મારામારીની એક ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં રાઈડમાં બેસવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ મારામારીમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ ઘટનાએ મેળાની શાંતિને ભંગ કરી દીધી છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે આ મારામારી રાઈડમાં બેસવાની લાઈનમાં ઊભા રહેવા દરમિયાન થઈ હતી.
કોઈક નાની વાત પરથી શરૂૂ થયેલી બોલાચાલી ધીમે ધીમે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી ગઈ અને બે જૂથોના સભ્યોએ એકબીજા પર હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો કોઈક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને તે તાત્કાલિક વાયરલ થયો હતો. વાયરલ થયેલા આ વીડિયોમા સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે કેવી રીતે બે જૂથના લોકો એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ વીડિયોમાં એક વ્યક્તિના હાથમાં છરી હોવાનું પણ સ્પષ્ટ પણે જોવા મળે છે.
જે ગંભીર ગુનાહિત પ્રવૃત્તિનો સંકેત આપે છે.
આ ઘટનાએ મેળામાં સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે. આ મારામારી દરમિયાન એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જોકે તેની હાલત અંગે વધુ વિગતો હજુ સુધી બહાર આવી નથી. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે આ વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિઓની ઓળખ કરીને તેને પકડવા માટેની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.