રાજકોટમાં બાઈક અકસ્માતમાં બે મિત્રોના મોત
શાપર અને ગુંદાસરાના બંને યુવાન જમવા નીકળ્યા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ મોત
શાપર અને કોટડાસાંગાણીના ગુંદાસર ગામના બે યુવાન મિત્રો બાઈક લઈને જમવા નીકળ્યા હતાં તે દરમિયાન રાજકોટમાં આવેલ ગોંડલ ચોકડી પાસે આવેલ રિધ્ધી સિધ્ધીના નાલા પાસે અકસ્માત સબબ બન્ને યુવક મળી આવ્યા હતાં. ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવકને સારવાર મળે તે પૂર્વે જ બન્ને યુવકના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણીના ગુંદાસર ગામે રહેતા અવિનાશભાઈ વનરાજભાઈ ચાવડા (ઉ.23) અને શાપરમાં આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉ.24) રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલ રિધ્ધિ સિધ્ધીના નાલા પાસે અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં બન્નેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બન્ને યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ બન્ને યુવાને દમ તોડી દેતાં પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી બન્ને યુવકના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક અવિનાશ ચાવડા બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો. જ્યારે દિવ્યેશ પરમાર બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો. બન્ને મિત્રો બાઈક લઈને જમવા માટે નીકળ્યા હતાં. ત્યારે ગોંડલ ચોકડી પાસે બન્ને યુવકના બાઈકને જીવલેણ અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.