સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીમાં બે પેઢીને 3.21 કરોડનો દંડ
રાજકોટ શહેરના સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરે સ્ટેમ્પ ડ્યુટીની ચોરીના બે મોટા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો, કુલ 3.21 કરોડ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમાં અમદાવાદની એક પેઢીને 2.15 કરોડ રૂૂપિયાનો અને રાજકોટના એક આસામીને 1.06 કરોડ રૂૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી આસામીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પહેલા કેસમાં, રાજકોટના વોર્ડ નંબર 9 માં આવેલા 12,459.15 ચોરસ મીટરના પ્લોટના વેચાણ દસ્તાવેજ સંબંધિત છે. બેકબોન એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને અમદાવાદની નીવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે 100 રૂૂપિયાના સ્ટેમ્પ પેપર પર ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા નિર્ધારિત પ્રતિ ચોરસ મીટર 10,237 રૂૂપિયાના ભાવે, આ પ્લોટની કામચલાઉ બજાર કિંમત 35,88,05,538 રૂૂપિયા થાય છે. આ કિંમત પર 35,88,056 રૂૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડે છે. પરંતુ, ફક્ત 100 રૂૂપિયાના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ થતા, 35,87,956 રૂૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી થઈ હતી. અગાઉ અમદાવાદની પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતા, નાયબ કલેક્ટરે કમી સ્ટેમ્પ ડ્યુટી અને દંડ સહિત કુલ 2,15,27,736 રૂૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે.
બીજા કેસમાં, રાજકોટ શહેરના દક્ષિણ વિસ્તારમાં સર્વે નંબર 269 પૈકી 4, ટી.પી. સ્કીમ નંબર દ, એફ.પી. નંબર 12, સિંગલ યુનિટ પ્લોટ નંબર 1 ના સબ-પ્લોટ નંબર 1-એ, 1-બી, 1-સી, 1-ડી ની કુલ 1518.23 ચોરસ મીટર જમીનનો 4,58,85,000 રૂૂપિયાનો વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આમાં 23,80,700 રૂૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવી હતી.
ખરીદનાર ધીરેન નાગજીભાઈ પટેલ અને વેચનાર ઈલાબેન નાગજીભાઈ પટેલ (વા-ઓ. રાજેન્દ્રહિરપરા), દિલીપ નાગજીભાઈ પટેલ, અને સ્વ. નાગજીભાઈ મનજીભાઈ પટેલના હેરશીપ સર્ટિફિકેટના આધારે, અધિક નોંધણી સર નિરીક્ષક દ્વારા 18 ડિસેમ્બર 2024 ના રોજ સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં વધુ બાંધકામ મળી આવતા, 52,52,154 રૂૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ઓછી વાપરવામાં આવી હોવાનું જણાયું. આથી, આસામીઓને કમી સ્ટેમ્પ ડ્યુટી અને 3 ટકાના દંડ સહિત કુલ 1,06,61,873 રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.