ગાંધીધામના પડાણા નજીક ટ્રક પાછળ છકડો ઘૂસી જતાં બેનાં મોત
ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સારવારમાં ખસેડાયા
ગાંધીધામ-ભચાઉ હાઈવે પર પડાણા નજીક કચ્છ આર્કેડ સામેના પુલ પર રાતના અંધારામાં પાર્ક કરેલી ટ્રક પાછળ છકડો ઘૂસી જતાં તેમાં સવાર બે લોકોના મોત નીપજ્યાં હતા. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે રિફ્લેક્ટર કે પાર્કિંગ લાઈટ લગાડ્યાં વગર બેદરકારી દાખવી રોડ પર ટ્રક પાર્ક કરીને જીવલેણ દુર્ઘટના સર્જવા બદલ ટ્રકચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
રાત્રે આઠ વાગ્યાના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. પડાણાની ખાનગી કંપનીમાં નોકરી કરતાં રાહુલ પ્રહલાદ નામના યુવકે ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશના કટનીના વતની રાહુલે પોલીસને જણાવ્યું હતું કે, તેનો નાનો ભાઈ આકાશ રોજગાર અર્થે મધ્ય પ્રદેશથી ગાંધીધામ આવ્યો હતો. રાત્રે આઠ વાગ્યે રેલવે સ્ટેશન પર ઉતરીને પડાણા આવવા માટે તે છકડામાં બેઠો હતો. એકાદ કલાક સુધી ના આવતાં ફોન કરતાં અજાણ્યા માણસે ફોન ઉપાડીને દુર્ઘટના અંગે જાણ કરી હતી. છકડામાં સવાર પડાણાના અન્ય એક શ્રમિક અશદુલ ગુલામ શેખનું પણ ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. તો અન્ય ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.