સૌરાષ્ટ્રમાં કાળોતરો કરડી જતાં બેનાં મોત
રાજકોટના ખારચિયા ગામે 10 વર્ષની બાળકી અને દ્વારકાના આવળપરામાં 15 વર્ષના તરૂણનું મૃત્યુ
સૌરાષ્ટ્રમાં ચોમાસાના લીધે સરીસૃપોના ડંસની બે ઘટનાને લીધે બે મોત નોંધાયા છે. રાજકોટના ખારચીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારની દસ વર્ષની બાળકી અને દ્વારકાના આવળપરા ગામે રહેતા ઉત્તર પ્રદેશના 15 વર્ષીય તરૂણનું સર્પ દંશથી મોત નીપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ રાજકોટના ખારચીયા ગામે વિપુલભાઈની વાડીએ ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારની સાબરમતીબેન કાલીયાભાઈ વાસુનિયા નામની 10 વર્ષની માસુમ બાળકી પાડાસણ ગામે બાબુભાઈ શામજીભાઈની વાડીએ કામ કરતા તેના કાકા મુકેશભાઈ ને ત્યાં ગઈ હતી અને ત્યાં માતા ભુરીબેન સાથે સૂતી હતી. તે દરમિયાન તેણીને મધરાત્રે સાપે ડંખ માર્યો હતો માસુમ બાળકીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.આ બનાવ અંગે આજીડેમ પોલોસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં દ્વારકાના આવળપરા આ વિસ્તારમાં રહેતા મૂળ ઉતર પ્રદેશ રાજ્યના બલરામપુર જિલ્લાના મૂળ રહીશ મનોજ દિનેશભાઈ વર્મા નામના 15 વર્ષના શ્રમિક તરુણને ગઈકાલે ગુરુવારે સાંજના સમયે સર્પદંશ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ વિનયકુમાર ગુપ્તાએ દ્વારકા પોલીસને કરી છે.