આવતીકાલથી બે દિવસ ભાજપની પ્રદેશ કારોબારી
સાળંગપુરમાં ગુજરાતભરના હોદ્દેદારો-પદાધિકારીઓ કરશે મનોમંથન, કાર્યકારી પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થવાની શકયતા
લોકસભાની ચૂંટણી બાદ આવતીકાલ તા.4 જુલાઇથી બે દિવસ ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક સાળંગપુર ધામ- બોટાદ ખાતે યોજાનાર છે ત્યારે આ બેઠકમાં લેવાનાર નિર્ણયો ઉપર સમગ્ર ગુજરાતની નજર છે. આ બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ નકકી કરવા ઉપરાંત કાર્યકારી પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર તથઇ શકે છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન પહેલા જ તેમની મુદત પુરી થઇ ગઇ હતી ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક પૂર્વે પ્રદેશ કારોબારીમાં કાર્યકારી પ્રમુખની નિયુક્તિ કરવામાં આવે તેવી શકયતા દર્શાવાય છે. આ સિવાય લોકસભાની ચુંટણીના પરિણામો અંગે મનોમંથન કરી ભાવી રણનીતિ તેમજ રાજકીય કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવે તેવી શકયતા છે.
સૌરાષ્ટ્રાના સાળંગપુર ધામ- બોટાદ ખાતે પુરુષોતમ મંદિરમાં 4 જૂલાઈએ એટલે કે, ગુરુવારે બપોરે 3 વાગ્યાથી ભાજપની કારોબારી શરૂૂ થશે. જે બીજા દિવસે એટલે કે 5 જુલાઈ સુધી ચાલશે. આમ ગુરૂૂવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી કારોબારી બેઠક ચાલશે. મોટાભાગના નેતાઓ શુક્રવારે રાત્રિ રોકાણ પણ મંદિરમાં જ કરશે. કારોબારીની બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ખાસ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કારોબારીમાં હાજર રહેશે.
આ પ્રદેશ કારોબારીમાં ભાજપના તમામ સાંસદો- ધારાસભ્યો- પ્રધાનો ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતો, નગર પાલિકા, મહાનગરપાલિકાઓના પ્રમુખ- વિપક્ષી નેતાઓ, પદાધિકારીઓ, ભાજપના વિવિધ સેલ-મોરચાના પ્રમુખો, પ્રદેશ ડેલીગેટસ સહીતના આશરે બે હજાર જેટલા આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.
કારોબારીની બેઠકમાં કટોકટીના સંદર્ભમાં લોકસભામાં જે ઠરાવ થયો હતો તેને પસાર કરાશે. તેમજ રાજકીય ચર્ચા વિચારણા કરાશે. ગુજરાતમાં ભવિષ્યમાં કેવા પ્રકારના કાર્યક્રમો યોજવા તેની ચર્ચા પણ થશે. આ બેઠકમાં ભાજપ સંગઠનના વિવિધ પદાધિકારીઓ પણ હાજર રહીને પોતાના મંતવ્યો રજૂ કરશે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે હેટ્રીક ન થઈ અને એક બેઠક કેમ ગુમાવવી પડી તેનું પોસ્ટમોર્ટમ પણ કરાશે.
સાથોસાથ ભાજપમાં એક નિયમ એવો છે કે, એક વ્યક્તિ એક હોદ્દો. પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પાસે જ અત્યારે બે હોદ્દા છે. એક પ્રમુખનો અને બીજા કેન્દ્રીય મંત્રીનો. તો આગામી સમયમાં પાટીલ પાસેથી પણ એક હોદ્દો લઈ લેવાશે એ નક્કી છે. જેથી એવી ચર્ચા ચાલી રહી છે કે, જો નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં થોડો સમય લાગશે તો તેવી સ્થિતિમાં ગુજરાત ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ અન્ય નેતાને જવાબદારી પણ સોંપાઈ શકે છે. આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.