ચોટીલા હાઇવે ઉપર 133 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા
સ્ટેટ મોનિટરિંગ સેલનો સપ્તાહમાં બીજી વખત ચોટીલા હાઇવે ઉપર દરોડો, મગાવનાર બૂટલેગરનું નામ ખુલ્યું
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક સ્ટેટ મોનીટરીંગ સેલે સપ્તાહમાં બીજી વખત દરોડો પાડી 133 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે જસદણના આટકોટ અને ચોટીલાના કંધાસર ગામના બે શખ્સોને ઝડપી લઇ રૂા.5.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દરોડામાં દારૂ મંગાવનારમાં આટકોટના બૂટલેગરનું નામ ખૂલ્યું છે.
ચોટીલા હાઇવે પર કનૈયા હોટલ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે નંબર વગરની કરેટા કાર અટકાવી હતી. જેમાંથી રૂા.22,900ની કિમંતનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા સાથે ચોટીલાના કંધાસર ગામના કુલદીપ રણજીતભાઇ ખાચર અને આટકોટના તુષાર રવિભાઇ ખોખરીયાની ધરપકડ કરી રૂા.5.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તપાસ દરમિયાન આ દારૂનો જથ્થો ચોટીલાના કંધાસર ગામના બૂટલેગર સંજય ભૂપત ખાચરે મંગાવ્યાનું ખૂલ્યું હતું. પોલીસે તેણી ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાય તથા ડીવાયએસપી કે.ટી.કામળીયા સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ ડી.વી.ચીત્રા અને તેમની ટીમે કામગીરી કરી હતી.