સઢવાળી હોડીમાં દરિયામાં માછીમારી માટે ગયેલા બે ભાઇઓના ડૂબી જતા મોત
બંન્નેના મૃતદેહો મળી આવ્યા, નાના એવા આંબલા ગામમાં શોકનો માહોલ
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા નાના આંબલા ગામે રહેતા બે સગા ભાઈઓ સોમવારે હોળી લઈને દરિયામાં શિકાર કરવા જતા દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં હોળી પલટી ખાઈ જતા બંને યુવાનોના નિષ્પ્રાણ દેહ મળી આવ્યા હતા.
આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા સીમરાજ અલારખાભાઈ દાઉદભાઈ ઘાવડા નામના 24 વર્ષના યુવાન તેમના મોટાભાઈ મામદહુસેન અલારખા ઘાવડા (ઉ.વ. 28) સાથે સોમવારે પોતાની સઢવાળી હોળી લઈને સલાયા બંદરથી 4 નોટિકલ માઈલ દૂર આવેલા કાળુભાર ટાપુ નજીક કૂડચલ મારવા માટે ગયા હતા. તે દરમિયાન હોળી સાથે મામદ અને સીમરાજ દરિયાના પાણીમાં ખાબક્યા હતા.બંને યુવાનો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા પાણીમાં લાપતા બની ગયેલા આ બંને ભાઈઓની લાંબી શોધખોળ કરવામાં આવી હતી.
જેમાં સોમવારે રાત્રે 24 વર્ષીય સીમરાજનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ લાંબી જહેમત પછી ગઈકાલે મંગળવારે સવારે તેમના મોટાભાઈ મામદહુસેન ઘાવડાનો પણ નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.આમ દરિયામા શિકાર કરવા ગયેલા બંને ભાઈઓના એક સાથે જ ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યાના આ બનાવે મૃતકના પરિવારજનો સાથે નાના એવા આંબલા ગામમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે. આ બનાવ અંગેની જાણ કારાભાઈ ભીખુભાઈ ઘાવડા (ઉ.વ. 50) એ સલાયા મરીન પોલીસને કરી છે.