મુંદ્રાના બાબિયા ગામે અકસ્માતમાં બે સગા ભાઈના ઘટના સ્થળે જ મોત
બેફામ દોડતા તોતિંગ વાહનો થકી નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ જીવલેણ બનાવ મુંદરા તાલુકાના બાબિયા ગામ નજીક શુક્રવારે બપોરના સમયે સર્જાયો હતો, જેમાં બાઈકથી જઈ રહેલા મૂળ રાધનપુરના લક્ષ્મણ દલા ઠાકોર (ઉ.વ. 20) અને સાવન દલાભાઈ ઠાકોર (ઉ.વ. 17) નામના બે સહોદરના ટ્રક હડફેટે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. સગા ભાઈઓના મોતથી પરિવાર પર આભ ફાટયા સમાન દુ:ખ આવી પડયું હતું, તો ઘટનાસ્થળે ટ્રાફિકજામ થવા સાથે લોકોનું ટોળું એકત્ર થયું હતું.
અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક નાસી છૂટયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, બાબિયા ગામમાં આવેલી પ્રવીણસિંહ વાઘેલાની વાડી પર રહેતા દલાભાઈ સવજીભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં લખાવાયું હતું કે, હતભાગી લક્ષ્મણ અને સાવન બપોરના અરસામાં કેરાથી બાબિયા આવવા બાઈકથી નીકળ્યા હતા, ત્યારે 12.45 વાગ્યા આસપાસ બાબિયા નજીક પહોંચતા સામેથી આવતી ટ્રક નં. જીજે 04 એક્સ 5618ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી બંને ભાઈને હડફેટે લીધા હતા.
ધડાકા સાથે થયેલી જોરદાર ટક્કર બાદ પટકાયેલા બંને ભાઈ પૈકી એકને ટ્રકે ચગદી નાખ્યો હતો, જ્યારે બીજો યુવાન પણ ગંભીર રીતે ઘવાયો હતો. આ બનાવમાં બંને ભાઈનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલા પરિજનોએ આક્રંદ કર્યું હતું. એકસામટા બે ભાઈની વિદાયથી કુટુંબ પર આભ ફાટવા સમાન દુ:ખ આવી પડયું હતુ. ઘટના બાદ એકત્ર થયેલાં ટોળાંએ આ માર્ગ પર અવારનવાર બનતા અકસ્માતના બનાવોથી નિર્દોષ લોકોને જીવ ખોવાનો વારો આવે છે, જેથી તંત્ર તાત્કાલિક ધોરણે બેફામ દોડતા વાહનો પર અંકુશ લગાવે તથા માર્ગને અકસ્માત ઝોન ઘોષિત કરે તેવી માંગ કરી હતી. પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી નાસી છૂટેલા ટ્રકચાલકને પકડવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.