વેપારીને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની તોડ કરનાર સસ્પેન્ડેડ હોમગાર્ડ જવાન સહિત બે ઝડપાયા
શહેરમાં હનીટ્રેપનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. કોઠારીયા વિસ્તારમાં રહેતા પાન-બીડીના વેપારીને પ્રેમજાળમાં ફસાવી યુવતીએ મસાજ કરાવવા ગૌરીદડ બોલાવ્યા બાદ નકલી પોલીસ બની આવેલા બે શખ્સોએ ગાંજાના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂા.6.77 લાખ પડાવી લીધા હતા. જે અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ બની તોડ કરનાર સસ્પેન્ડ હોમગાર્ડ સહિત બે શખ્સોને ગણતરીની કલાકોમાંજ ઝડપી પાડી પોલીસે સુત્રધાર યુવતીની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા વિસ્તારમાં રામનગરમાં રહેતા અને રણુજા મંદિર પાસે અવધ સેલ્સ નામે પાન, બીડી, તમાકુની એજન્સી ચલાવતા હસમુખભાઈ દુદાભાઈ રૈયાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 17ના રોજ સવારે તેની એજન્સીએ હતો ત્યારે તેને એક ફોન આવ્યો હતો જેમા તેને પટેલની દિકરી બોલુ છુ અને તમે સેવાનુ કામ કરો છો કહી વાતો કરી હતી ત્યાર બાદ તેને ગવરીદળ ગામે બોલાવ્યો હતો. જેથી એક નંબર વગરના એકટીવામાં આવેલ યુવતીએ મોઢા પર ચુંદડી બાંધી હોય તેને બાઈક પાર્ક કરી તેની પાછળ બેસી જવાનુ કહેતા તે બેસી જતા તેને મોરબી રોડ પર લઈ જઈ એક મકાન પાસે ઉભા રહેતા બે શખસો ધસી આવી તેને પકડી મકાનમાં લઈ ગયા હતા અને યુવતીને અન્ય રૂૂમમાં રાખી હોવાનુ કહી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તમે બન્ને ગાંજો વેંચો છો કહી મારકુટ કરી કપડા કઢાવી વિડીયો ઉતારી સાહેબ આવી ગયા છે અને યુવતીને પોલીસ મથકે લઈ ગયા છે. તારે આ કેસમાંથી બચવુ હોય તો ત્રણ લાખ આપવા પડશે કહેતા તેને ફોન કરી પૈસા મગાવી રૂૂપિયા તેમજ એટીએમ લઈ છોડી દીધો હતો.
તા.2ના રોજ તેની કાર લઈને માલની ડીલવરી કરવા નિકળતા બન્ને શખસોએ તેને ગઢકા ગામના પાટીયા પાસે અટકાવી તેને કારમાંથી ઉતારી મોટર સાઈકલમાં બેસાડી ઢાંઢણીગામની સીમમાં લઈ જઈ તારી સાથે જે બાઈ પકડાઈ હતી જે મરી ગઈ હવે તારી માથે બધો કેસ આવ્યો છે તેમ કહી વધુ ત્રણ લાખ પડાવી લીધાનું જણાવતા પીઆઈ ચાવડા સહિતના સ્ટાફે ગુનો નોંધી સસ્પેન્ડેડ હોમગાર્ડ કિશન કુસવા અને અરવિંદ ગજેરાની ધરપકડ કરી હતી. જ્યારે સુત્રધાર મનીષા નામની યુવતીની શોધખોળ હાથ ધરી છે.