ગેડીયા ગામે એલસીબી પીઆઇ સહિત પોલીસમેન પર હુમલો કરનાર બે આરોપીને 10 વર્ષની સજા
ધ્રાંગધ્રા કોર્ટ તપાસકર્તાની જુબાની અને લેખિત પુરાવાઓ ધ્યાનમાં લઇ ચૂકાદો આપ્યો
ધ્રાંગધ્રા કોર્ટે ગેડીયા ગામમાં પોલીસ પર હુમલા કેસમાં બે આરોપીઓને સજા ફટકારી છે. પાંચ વર્ષ પહેલાં 24 મે, 2020ના રોજ સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ અને તેમની ટીમ ગેડીયા ગામે દરોડો પાડવા ગયા હતા. આ દરમિયાન રસીદખાન અમીરખાન જતમલેક અને અહેમદખાન સબરખાન નામના બે શખ્સોએ પીઆઇ ઢોલ અને અન્ય પોલીસકર્મીઓ પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના અંગે બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
કેસ ધ્રાંગધ્રાના એડિશનલ સેશન્સ જજ એન.એચ.વસવેલીયાની કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટે 37 સાહેદોના મૌખિક પુરાવા, ઈજા પામનારની જુબાની અને 38 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાનમાં લીધા હતા. સરકારી વકીલ વી.એચ.ભટ્ટની દલીલો અને તેમણે રજૂ કરેલા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને પણ કોર્ટે ધ્યાનમાં લીધા હતા.
તમામ પુરાવાઓના આધારે કોર્ટે બંને આરોપીઓને વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે. કલમ 333, 34 હેઠળ 10 વર્ષની સખત કેદ અને દરેકને રૂૂ.10,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા થશે. આ ઉપરાંત, ઈ.પી.કો. કલમ 353 અને 34 હેઠળ બે વર્ષની કેદ અને રૂૂ.5,000નો દંડ, કલમ 325 હેઠળ સાત વર્ષની કેદ અને રૂૂ.10,000નો દંડ, કલમ 323 હેઠળ એક વર્ષની કેદ અને રૂૂ.1,000નો દંડ તેમજ કલમ 506(2) અને 114 હેઠળ એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
કેસની તપાસ કરનાર એમ.કે.ઇસરાનીની મૌખિક જુબાની અને લેખિત પુરાવાઓને પણ કોર્ટે ધ્યાનમાં લીધા હતા. આ ચુકાદો પોલીસ પર હુમલો કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે.