રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી
સોખડા સ્વામીનારાયણ સંપ્રદાયના ત્યાગવલ્લભસ્વામીની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. હાઈકોર્ટે આત્મીય યુનિવર્સિટીમાં ગેરરીતિ કેસમાં ફરિયાદ રદ કરવા બાબતે આકરુ વલણ બતાવતા ત્યાગવલ્લભસ્વામીએ ફરિયાદ રદ કરવાની ક્વોસિંગ પીટીશન પાછી ખેચી લીધી છે.
આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે જૂન 2023માં ધર્મેશ જીવાણી તેની પત્ની અને ત્યાગવલ્લભસ્વામી સામે 33 કરોડની છેતરપીંડી કરવા સાથે પવિત્ર જાની નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આત્મીય વિદ્યાધામમાં સર્વોદય કેળવણી સમાજના 33 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું જણાવાયું હતું. જે ફરિયાદ રાજકોટના તાલુકા પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામ્યો હતો. આ ફરિયાદ બાદ ત્યાગવલ્લભસ્વામી દ્વારા હાઈકોર્ટમાંથી ધરપકડ સામે સ્ટે મેળવવામાં આવ્યો હતો.
બાદમાં ત્યાગવલ્લભસ્વામી દ્વારા આ ફરિયાદ રદ કરવા માટે ક્વોસિંગ પીટીશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ પીટીશનમાં આકરુ વલણ દાખવતા કોર્ટનો મિજાજ પારખીને ત્યાગવલ્લભસ્વામી દ્વારા ક્વોસિંગ પીટીશન પાછી ખેંચી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના આપઘાત કેસમાં હાઈકોર્ટના ઓર્ડરના પગલે હાલમાં જ ત્યાગવલ્લભસ્વામી સહિતના સંતો સામે આત્મહત્યાને કુદરતી મોત અને પુરાવા સાથે છેડછાડનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.