TRP અગ્નિકાંડ: જમીનના માલિકોને શરતભંગ બદલ 26 લાખનો દંડ
કોરોનાકાળમાં ધંધા બંધ હતા રહેમ રાખવા કરેલી માગણી ફગાવી દેતા કલેકટર : પાર્ટી પ્લોટ, ગેમ ઝોનની જમીન ત્રણ મહિનામાં રેગ્યુલાઈઝ નહીં કરાયા તો ડિમોલિશન કરાશે
રાજકોટના નાના મવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે ત્યારે સરકારી બાબુઓની ભ્રષ્ટ નીતિને કારણે સર્જાયેલા અગ્નિકાંડે 27 માનવ જીંદગીનો ભોગ લીધો છે. જેમાં ખેતીની જમીન બિનખેતી કરાવ્યા બાદ તેમાં શરતભંગ થયાનું ધ્યાન પર આવતાં જિલ્લા કલેકટર દ્વારા તપાસ કરાવી જમીનના ત્રણેય માલિકો સામે શરતભંગનો કેસ કર્યો હતો. જેની સુનાવણી પૂર્ણ થયા બાદ શરત ભંગ બદલ 14882 સ્કવેર મીટર જમીનના માલિકો સામે કુલ 26,21,760 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 વ્યક્તિઓ ભડથુ થઈ ગયા હતાં. જે પ્રકરણમાં મહાનગરપાલિકા અને પોલીસ તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીના કારણે આ અગ્નિકાંડ સર્જાયો હોવાનું બહાર આવતાં ટીપીઓ સાગઠીયા સહિતના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટીઆરપી ગેમઝોનના સંચાલકો અને જમીનના માલિકો મળી કુલ 15 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
બીજી બાજુ નાનામવાની આ કિંમતી જમીન 2016માં બિનખેતી કરવામાં આવી હતી. કોમર્શિયલ હેતુ માટે આ જમીન બિનખેતી કરાવ્યા બાદ તેમાં પાર્ટી પ્લોટ અને ગેમઝોન બનાવી વેપાર ધંધા શરૂ કરી દીધા હતાં. આમ જમીનમાં શરતભંગ થયો હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોષીનાં ધ્યાન પર આવતાં પશ્ર્ચિમ મામલતદારને તપાસ સોંપવામાં આવી હતી. જેના રિપોર્ટ બાદ નાનામવાની 14882 સ્કવેર મીટર જમીનના ત્રણેય માલિકો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, રઘુરાજસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાને નોટિસ ઈસ્યુ કરાઈ હતી.
ટીઆરપી ગેમઝોનની જમીન સંદર્ભે શરત ભંગના કેસમાં જમીનના માલિકો વતી બચાવ પક્ષે એવી રજુઆત કરી હતી કે જમીન બિનખેતી કરાવ્યા બાદ કોરોના કાળ શરૂ થતાં વેપાર ધંધા અટકી ગયા હોવાની રજુઆત કરી હતી અને રહેમ રાખવા માંગણી કરી હતી. પરંતુ કલેકટરે બચાવ પક્ષની દલીલો ફગાવી દઈ 6 વર્ષના કુલ 26,21,760નો દંડ ફટકાર્યો છે અને આ દંડની રકમ 15 દિવસમાં જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.જમીનના માલિકો જો 15 દિવસમાં દંડની રકમ જમા નહીં કરે તો તેમની સામે મિલકતમાં બોજો નાખવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે કલેકટરના આ ચુકાદા સામે જમીનના માલિકો અપીલમાં પણ જઈ શકશે.
જમીન રેગ્યુલાઈઝડ નહીં થાય તો પાર્ટી પ્લોટનું પણ ડિમોલિશન
નાનામવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનની બાજુમાં આજ માલિકોનો પાર્ટી પ્લોટ આવેલ હોય જે જમીનમાં પણ શરતભંગ થયું હોવાનું બહાર આવતાં જિલ્લા કલેકટરે ટીઆરપી ગેમઝોન અને પાર્ટી પ્લોટની સંયુકત જમીનમાં શરતભંગનો કેસ ચલાવી દંડ ફટકાર્યો છે અને ત્રણ મહિનામાં જમીનમાં રેગ્યુલાઈઝડ કરવા આદેશ કરવામાં આવ્યો છે નહીંતર મહાનગરપાલિકાને પણ પાર્ટી પ્લોટનું પણ ડિમોલીશન કરવા આદેશ કરવામાં આવશે અને ચુકાદાની નકલ મહાનગરપાલિકાને પણ મોકલી આપી છે.