ટીઆરપી અગ્નિકાંડ : હવે પોલીસ અધિકારીઓની તોળાતી ધરપકડ
પોલીસ અધિકારીઓની બનેલી સીટે કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી ફિક્સ કર્યા બાદ સત્ય શોધક કમિટીએ પોલીસ અધિકારીની જવાબદારી ફિક્સ કરી : રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત
કાઠિયાવાડમાં કહેવત છે કે "વારા પરથી વારો અને મેહ પછી ગારો” આવો જ એક ઘાટ ટીઆરપી અગ્નિકાંડમાં સર્જાયો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર ટીઆરપી અગ્નિકાંડમાં કોર્પોરેશનના અધિકારીઓ સહિત 15 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અને આ પ્રકરણની તપાસ માટે અલગ અલગ સીટ, કમીટીની રાજ્ય સરકાર દ્વારા રચના કરવામાં આવી છે. જેમા અગાઉ સીટ દ્વારા કરાવમાં આવેલ તપાસમાં મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી ફિક્સ કર્યા બાદ રાજ્ય સરકારે સત્યશોધક ટીમની રચના કરી હતી. જેની
તપાસમાં પોલીસ અધિકારીઓની જવાબદારી ફિક્સ કરતા અહેવાલો રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યા છે.
રાજકોટના નાનામૌવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 9 બાળકો સહિત 27 વ્યક્તિઓ જીવતા જ ભડથુ થઈ ગયા હતાં. આ બનાવમાં સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓની ભ્રષ્ટનીતિની પોલ ખુલી પડી હતી. મહાનગરપાલિકાના ટીપીઓ શાખાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામની જાણ હોવા છતાં છેલ્લા ચાર વર્ષથી ટીઆરપી ગેમઝોન સામે કોઈ જ કાર્યવાહી કરી ન હતીં. જેના કારણે આ અગ્નિકાંડ સર્જાયો હતો.
ટીઆરપી અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે તપાસ માટે સીટની રચના કરી હતી. જ્યારે રાજકોટ પોલીસ કમિશનરે પણ અલગથી સીટ બનાવી ગુનાની તપાસ ચલાવવામાં આવી રહી છે. બીજી બાજુ સીઆઈડી ક્રાઈમની એક ટીમે પણ આ પ્રકરણની તપાસ કરી હતી અને છેલ્લે રાજ્ય સરકારે સત્યશોધક ટીમની રચના કરી હતી.
એડિશનલ ડી.જી. સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ બનેલી સીટ દ્વારા તપાસ કરી રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કર્યો હતો. જેમાં કોર્પોરેશનના ટીપીઓ અને ફાયર બ્રિગેડની જવાબદારી ફિક્સ કરી હતી. જે રિપોર્ટના આધારે કોર્પોરેશનના ટીપીઓ સાગઠિયા સહિતના અનેક અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેમની બેનામી મિલ્કતોની પણ એસીબી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીના વડપણ હેઠળ બનેલી સીટે મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી ફિક્સ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આઈએસ અધિકારી રાજકુમાર બેનીવાલ, આઈએસ અધિકારી પી.સ્વરૂપ અને મનીષ ચંદ્રાની કમીટી બનાવી તપાસ સોંપવામાં આવી હતી. સત્યશોધક ટીમ દ્વારા ટીઆરપી અગ્નિકાંડમાં પોલીસ અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી આ અંગેનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો છે.
સત્યશોધક કમિટીના અહેવાલમાં તાલુકા પોલીસ સ્ટાફ અને લાયસન્સ બ્રાંચના અધિકારીઓ સહિતના પોલીસ અધિકારીઓની જવાબદારી અગ્નિકાંડમાં ફિક્સ કરવામાં આવી છે. તાલુકા પોલીસ અને લાયસન્સ બ્રાન્ચ દ્વારા ડોક્યુમેન્ટ કે સ્થળની ખરાઈ કર્યા વગર જ છેલ્લા ચાર વર્ષથી મનોરંજન લાયસન્સ ઈસ્યુ કર્યુ હતું અને દર વર્ષે લાયસન્સ રિન્યુ પણ કરી દેતા હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે હવે આ પ્રકરણમાં પોલીસ અધિકારીઓની ધરપકડ થાય તેવા નિર્દેષો મળી રહ્યા છે.