શિક્ષકો માટે મુશ્કેલી: ચૂંટણી તાલીમ અને પરીક્ષાઓ એક જ દિવસે હોવાથી કયાં જવું?
ગુજરાતમાં આગામી દિવસોમાં લેવાનારી લોકસભાની ચૂંટણને લઇને આગામી તા.28,29 માર્ચ અને 1લી એપ્રિલના રોજ જુદા જુદા પ્રકારની કામગીરી માટે શિક્ષકો અને કર્મચારીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓર્ડર કરવામા આવી રહ્યા છે. બીજીબાજુ શિક્ષણ વિભાગ દ્વારા આગામી 30મી માર્ચે સીઇટી અને 31મી માર્ચે ગુજકેટ લેવાની હોવાથી મોટી સંખ્યામાં શિક્ષકો આ કામગીરીમાં રોકાયેલા હોવાથી ભારે મુશ્કેલીઓ ઉભી થઇ છે.
રાજયની જુદા જુદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તાલીમની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં મોટી સંખ્યામાં શિક્ષકોને સામેલ કરવામાં આવી રહ્યા છે. શહેર કલેક્ટર દ્વારા આગામી 28,30 અને 1લી એપ્રિલના રોજ ચૂંટણીલક્ષી તાલીમ ગોઠવવામાં આવી છે. આ તાલીમ માટે અમદાવાદમાં 120 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. સૂત્રો કહે છે કે જે પ્રમાણે મોટી સંખ્યામાં કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે તે જોતાં અનેક શિક્ષકોને પણ તાલીમ માટે આવવાની સૂચના અપાઈ છે. શિક્ષણ વિભાગ કે સંબંધિત વિભાગ દ્વારા આજ દિવસો દરમિયાન 30મી માર્ચે પ્રોજેક્ટ સ્કૂલમાં ધો.6માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય ધો.8ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પણ આયોજન કરાયું છે.
ઉચ્ચ અભ્યાસ સંલગ્ન આ બન્ને પરીક્ષામાં અંદાજે 12 લાખથી વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લામાંથી જ પરીક્ષા આપે તેવી શકયતાં છે. આમ, જે શિક્ષકોને ચૂંટણીલક્ષી તાલીમ માટે જવાનું છે તે પૈકી અનેક શિક્ષકોએ આ પરીક્ષાની કામગીરી પણ કરવી પડે તેમ છે. પરીક્ષાની કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવી છે તેઓને આગળના દિવસે જ વ્યવસ્થામાં રહેવું પડતું હોય છે. આ સ્થિતિમાં હવે શિક્ષકોએ બન્ને પૈકી કઇ કામગીરી કરવી તેની દ્વિધા ઉભી થઇ છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા બાદ હાલમાં ઉત્તરવહી ચકાસણીની કામગીરીમાં પણ અનેક શિક્ષકો રોકાયેલા હોવાથી તમામ કામગરીમાં મુશ્કેલી ઉભી થાય તેમ છે.