ઠેબા ચોકડી પાસે ડમ્પર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત
ધાયલને સારવારમાં ખસેડાયા: ડમ્પર ચાલક ફરાર થતા શોધખોળ
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર ઠેબા ચોકડી નજીક ગઈ કાલે સાંજે એક ડમ્પર અને બે બાઈક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે આવી રહેલા ડમ્પર ના ચાલકે આગળ જઈ રહેલા બે બાઇકને ઠોકરે ચડાવતાં એક બાઈક સવારનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બીજા બાઈક સવાર ને ગંભીર થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ જામ રાવલ ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના સણોસરા ગામ ના પાટીયા પાસે રહેતા સુકાભાઈ ઘેલાભાઈ ગામી નામના 50 વર્ષના આધેડ કે જેઓ ઠેબા ચોકડી નજીક આવેલા એક ભરડીયામાં પોતાના સંબંધીને મળીને બાઈક પર પરત આવી રહ્યા હતા. જે દરમિયાન ઠેબા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે 13 એ ડબલ્યુ. 4897 નંબરના ડમ્પર ના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા.આ ઉપરાંત માર્ગ પર પસાર થઈ રહેલા અન્ય એક બાઈક ને પણ ડમ્પરે ઠોકર મારી હતી, અને ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં સુકાભાઈ ગામી નું ગંભીર ઇજા થવાથી બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું, જયારે અન્ય બાઇકના ચાલકને ઈજા થઈ હોવાથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે.આ અકસ્માત સર્જનાર ડમ્પર નો ચાલક પોતાનું વાહન છોડીને ભાગી છુટ્યો હતો. જે અકસ્માતના બનાવ અંગે મૃતક સુકાભાઇ ગામીના પુત્ર દેવાભાઈ ગામીએ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયા બનાવના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, તેમજ સુકા ભાઈ ગામીના મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જયારે માર્ગ પર રેઢું પડેલું ડમ્પર કબજે કરી લઇ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.