અગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોના ગોચરથી અમદાવાદમાં બીજી વખત પ્લેન દુર્ઘટના સર્જાઇ
અગાઉ 19મી ઓકટોબરના 1988ના રોજ વિમાન ક્રેશમાં રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશીમાં ગોચર કરતો હતો
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન ક્રેશની જે દુર્ઘટના ઘટી છે તેવી જ દુ:ખદ ઘટના 19મી ઓક્ટોબર 1988ના રોજ પણ બની હતી. તે સમયના ગ્રહો અને ગુરૂૂવારે (12મી જૂન) બનેલી દુર્ઘટનાના ગ્રહોમાં ચકિત થઈ જવાય તેવી સમાનતા જોવા મળી છે.
હાલની વાત કરીએ તો 18મી મેથી કેતુ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. સાતમી જૂને મંગળે પણ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો. સિંહ રાશિ એક અગ્નિ તત્ત્વ રાશિ છે. કેતુ અગ્નિ તત્ત્વ ગ્રહ છે. મંગળ પણ અગ્નિ તત્ત્વ ગ્રહ છે. 28મી જુલાઈ સુધી સિંહ રાશિમાં મંગળ-કેતુની યુતિ થઈ હોવાથી અગ્નિ સંબંધિત દુર્ઘટના ઘટે તેવી પ્રબળ શક્યતા હતી. યુદ્ધ કે હિંસાની પણ શંકા હતી. કાળે શું ધાર્યું હશે તે ગુરૂૂવારે અમદાવાદમાં વિમાન દુર્ઘટના ઘટી હતી. મંગળ-કેતુ અગ્નિ તત્ત્વ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને બીજા બે ગ્રહો અન્ય અગ્નિ તત્ત્વ રાશિમાં હતા, ત્યારે અમદાવાદમાં વિમાન ઇમારત સાથે ટકરાઈને અગનગોળો બન્યું હતું.
19મી ઓક્ટોબર 1988ના રોજ અમદાવાદમાં વિમાન ક્રેશ થયું હતું. તે વખતે પણ રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં ગોચર કરતો હતો. આ વખતે પણ રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો હતો. તે વખતે અગ્નિ તત્ત્વ રાશિમાં ત્રણ ગ્રહો ગોચર કરી રહ્યા હતા. આ વખતે અગ્નિ તત્ત્વ રાશિમાં ચાર ગ્રહો ગોચર કરી રહ્યા છે. જ્યારે કોઈ એક તત્ત્વની રાશિમાં વધુ ગ્રહો ગોચર કરી રહ્યા હોય ત્યારે તે તત્ત્વ સંબંધિત દુર્ઘટના ઘટવાની શક્યતા વધી જાય છે. 28મી જુલાઈ સુધી હજુ પણ કેતુ અને મંગળ યુતિમાં રહેવાના છે. ત્યાં સુધીમાં વિશ્વમાં અનેક અશાંતિ ભરી ઘટનાઓ, હિંસા કે યુદ્ધ જેવી સ્થિતિ થઈ શકે છે. આવામાં હરિનું સ્મરણ એ એક જ અકસીર ઉપાય છે.