લીંબડી નજીક માતેલા સાંઢની જેમ જતા ટ્રકની અડફેટે બાઈક સવાર દંપતીનું કરુણ મૃત્યુ
પ્રસંગમાંથી પરત આવી રહેલા દંપતીને રોંગ સાઈડમાં આવતા ટ્રકની જીવલેણ ટક્કર -
કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા આહીર પરિવારના દંપતી એક પ્રસંગ પતાવી અને પોતાના મોટરસાયકલ પરત ફરી રહ્યા હતા. ત્યારે લીંબડી ગામ નજીક પૂરઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે તેમને ઠોકર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં આ પતિ-પત્નીના મૃત્યુ નીપજ્યા હતા.
આ કરુણ બનાવની પોલીસ દફતરે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે રહેતા જેઠાભાઈ ધાનાભાઈ સુવા નામના 54 વર્ષના આહીર પ્રૌઢ તેમના ધર્મપત્ની હિમીબેન (ઉ.વ. 52) સાથે તેમના સંબંધી અરજણભાઈ વેજાણંદભાઈ કરમુરના ઘેર પ્રસંગમાં ગયા હતા. અહીં પ્રસંગ પતાવીને ગુરુવારે સાંજના સમયે તેઓ પોતાના જી.જે. 37 ઈ. 1706 નંબરના મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 24 કિ.મી.દૂર લીંબડી - દ્વારકા હાઈવે પર એક હોટલ નજીક પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં સામેથી આવી રહેલા જી.જે. 12 એ.વી. 5867 નંબરના એક ટ્રકના ચાલકે જેઠાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દંપતિને વધુ સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં લઈ જતા અહીંની હોસ્પિટલમાં જેઠાભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે તેમના પત્ની હિમીબેનને વધુ સારવાર માટે જામનગર ખસેડતા માર્ગમાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ મૃતક દંપતીના ખંભાળિયાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. દંપતીના એકસાથે થયેલા આ અકસ્માત મૃત્યુથી મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ છે.
આ ઘટના અંગે મૃતકના પુત્ર મહેશભાઈ જેઠાભાઈ સુવા (ઉ.વ. 21) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.